Skip to content
ગણના ૩૧:૨૫-૫૪

ગણના ૩૧:૨૫-૫૪

૨૫
યહોવાહે મૂસાને કહ્યું,
૨૬
“તું, એલાઝાર યાજક, જમાતના પિતૃઓના કુળના આગેવાનો મળીને, જે માણસો તથા પશુઓ કે જેઓની લૂંટ કરવામાં આવી તેઓની ગણતરી કરો.
૨૭
લૂંટના બે ભાગ પાડો. તેને જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ તથા બાકીની આખી જમાત વચ્ચે વહેંચો.
૨૮
જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ પાસેથી કર લઈને મને આપો. દરેક પાંચસો પશુઓમાંથી એક પશુ, એટલે માણસોમાંથી તથા જાનવરોમાંથી, ગધેડામાંથી, ઘેટાં કે બકરામાંથી લેવાં.
૨૯
તેઓના અડધામાંથી તે લો અને મારા માટે ઉચ્છાલીયાર્પણ તરીકે એલાઝાર યાજકને તે આપો.
૩૦
ઇઝરાયલી લોકોના અડધામાંથી, દર પચાસ વ્યક્તિમાંથી, ગધેડાંમાંથી, ઘેટા તથા બકરામાંથી તથા અન્ય જાનવરોમાંથી લેવાં. જે લેવીઓ યહોવાહના મંડપની સંભાળ લે છે તેઓને આપો.”
૩૧
તેથી યહોવાહે આજ્ઞા કરી હતી તે પ્રમાણે મૂસાએ તથા યાજક એલાઝારે કર્યું.
૩૨
સૈનિકોએ જે લૂંટ લીધી હતી તેની યાદી: છ લાખ પંચોતેર હજાર ઘેટાં,
૩૩
બોતેર હજાર બળદો,
૩૪
એકસઠ હજાર ગધેડાં,
૩૫
બત્રીસ હજાર સ્ત્રીઓ જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ન હતી.
૩૬
યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં.
૩૭
ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો.
૩૮
છત્રીસ હજાર બસો બળદમાંથી યહોવાહનો કર બોતેર હતો.
૩૯
ત્રીસ હજારને પાંચસો ગધેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.
૪૦
જે માણસો સોળ હજાર હતા જેમાંથી યહોવાહનો કર બત્રીસ માણસોનો હતો.
૪૧
યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ એ કર એટલે યહોવાહનું ઉચ્છાલીયાર્પણ એલાઝાર યાજકને આપ્યું.
૪૨
ઇઝરાયલી લોકોનો જે અડધો ભાગ મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી લીધો હતો તે,
૪૩
જમાતનો અડધા ભાગમાં ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો ઘેટાં,
૪૪
છત્રીસ હજાર બળદો,
૪૫
ત્રીસ હજાર પાંચસો ગધેડાં,
૪૬
સોળ હજાર માણસો હતાં.
૪૭
જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ ઇઝરાયલી લોકોના અડધા ભાગમાંથી દરેક પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી એક લઈને યહોવાહના મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.
૪૮
પછી સૈન્યના સેનાપતિઓ, સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ મૂસા પાસે આવ્યા.
૪૯
તેઓએ મૂસાને કહ્યું, “જે સૈનિકો અમારા હાથ નીચે છે તેઓની તારા દાસોએ ગણતરી કરી છે, એક પણ માણસ ઓછો થયો નથી.
૫૦
અમારા માટે યહોવાહની આગળ પ્રાયશ્ચિત કરવાને સારુ દરેક માણસને જે મળ્યું તે અમે યહોવાહને સારુ અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળા, બંગડીઓ, વીંટીઓ, બુટીઓ તથા હારો લાવ્યા છીએ.”
૫૧
મૂસાએ તથા યાજક એલાઝાર યાજકે તેઓની પાસેથી સોનું તથા હાથે ઘડેલાં સર્વ પાત્રો લીધાં.
૫૨
ઉચ્છાલીયાર્પણનું સોનું સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ પાસેથી યહોવાહને ચઢાવ્યું તેનું વજન સોળ હજાર સાતસો પચાસ શેકેલ હતું.
૫૩
દરેક સૈનિકે પોતપોતાને માટે લૂંટ લઈ લીધી હતી.
૫૪
મૂસા તથા એલાઝાર યાજક સહસ્રાધિપતિ તથા શતાધિપતિઓ પાસેથી સોનું લઈને યહોવાહ માટે ઇઝરાયલ લોકોના સ્મરણાર્થે મુલાકાતમંડપમાં લાવ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options