માથ્થી ૨૬:૪૧-૬૫
૪૧
તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.”
૪૨
¶ બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
૪૩
ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.
૪૪
ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.
૪૫
¶ ત્યારે તેમણે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું કે, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે.
૪૬
ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.”
૪૭
¶ તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા.
૪૮
હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.”
૪૯
¶ તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો.
૫૦
ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.
૫૧
¶ પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર ખેંચી કાઢી અને પ્રમુખ યાજકના ચાકર પર હુમલો કરીને તેનો કાન કાપી નાખ્યો.
૫૨
ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે.
૫૩
શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યના બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે?
૫૪
તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?”
૫૫
¶ તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડો તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો.
૫૬
પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.
૫૭
¶ પછી જેઓએ ઈસુને પકડ્યા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.
૫૮
પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની આંગણા સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.
૫૯
¶ મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી.
૬૦
જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે,
૬૧
“આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’”
૬૨
¶ ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.”
૬૩
પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.”
૬૪
ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.”
૬૫
¶ ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.
Settings