મુખ્ય સામગ્રી પર જાઓ

David

968 કલમો · 40 કુટુંબના સભ્યો

David નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ પલિસ્તી પોતાની ઢાલ ઊંચકનારને લઈને દાઉદની સામે આવ્યો.

  2. જયારે તે પલિસ્તીએ આજુ બાજુ જોઈને દાઉદને જોયો, ત્યારે તેણે તેને તુચ્છકાર્યો. કેમ કે તે ફક્ત જુવાન, રક્તવર્ણો તથા દેખાવમાં સુંદર હતો.

  3. પછી તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “શું હું કૂતરો છું કે, તું લાકડીઓ લઈને મારી સામે આવ્યો છે?” અને તે પલિસ્તીએ પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો.

  4. ¶ તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “મારી પાસે આવ અને હું તારું માંસ આકાશના પક્ષીઓને તથા વનચર પશુઓને આપું.”

  5. દાઉદે પલિસ્તીને જવાબ આપ્યો, “તું મારી પાસે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે. પણ હું પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર, ઇઝરાયલના સૈન્યોના ઈશ્વર જેમનો તુચ્છકાર તેં કર્યો છે તેમના નામે તારી પાસે આવું છું.

  6. ¶ જયારે તે પલિસ્તી ઊઠયો અને દાઉદ સામે લડવા સારુ પાસે આવવા લાગ્યો, ત્યારે દાઉદ ઉતાવળથી તે પલિસ્તીની સામે મળવાને સૈન્યની તરફ દોડીને ગયો.

  7. દાઉદે પોતાનો હાથ થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર લીધો, તેને ગોફણ દ્વારા વીંઝીને તે પલિસ્તીના કપાળમાં માર્યો. પથ્થર પલિસ્તીના કપાળમાં પેસી ગયો અને તે જમીન પર ઊંધા મોઢે પડયો.

  8. ¶ દાઉદ ગોફણ તથા પથ્થરથી તે પલિસ્તી પર જીત પામ્યો. તેણે પલિસ્તીને મારી નાખીને તેનો સંહાર કર્યો. પણ તેના હાથમાં તલવાર ન હતી.

  9. પછી દાઉદ દોડીને તે પલિસ્તી ઉપર ઊભો રહ્યો અને તેણે તેની તલવાર તેના મ્યાનમાંથી કાઢીને, તેના વડે તેને મારી નાખ્યો અને તેનું માથું તેના ધડથી કાપી નાખ્યું. જયારે પલિસ્તીઓએ જોયું કે તેઓનો બળવાન યોદ્ધો મરણ પામ્યો છે, ત્યારે તેઓ નાસી ગયા.

  10. દાઉદ પલિસ્તીનું માથું લઈને યરુશાલેમમાં આવ્યો, પણ તેણે તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું.

  11. ¶ જયારે શાઉલે દાઉદને પલિસ્તી સાથે લડવા જતા જોયો હતો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને કહ્યું હતું કે, “આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે?” આબ્નેરે કહેલું કે, “તારા જીવના સમ, રાજા, હું તેના વિષે કશું જાણતો નથી.”

  12. ¶ જયારે દાઉદ તે પલિસ્તીનો સંહાર કરીને પાછો ફર્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લાવ્યો પલિસ્તીનું માથું દાઉદના હાથમાં હતું.

  13. શાઉલે તેને કહ્યું, “ઓ જુવાન, તું કોનો દીકરો છે?” અને દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક યિશાઈ બેથલેહેમીનો દીકરો છું.”

  14. ¶ જયારે શાઉલ સાથે તેણે વાત પૂરી કરી ત્યાર પછી, યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, યોનાથાન પોતાના જીવના જેવો પ્રેમ તેના પર કરવા લાગ્યો.

  15. ¶ પછી યોનાથાને તથા દાઉદે મિત્રતાના કોલકરાર કર્યા. યોનાથાન તેના પર પોતાના જીવના જેવો પ્રેમ કરતો હતો.

  16. જે ઝભ્ભો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગ પરથી ઉતારીને દાઉદને આપ્યો. પોતાનું કવચ તથા, તલવાર, ધનુષ્ય, અને કમરબંધ પણ આપ્યાં.

  17. ¶ જ્યાં કંઈ શાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે જતો અને તે સફળ થતો. શાઉલે તેને સૈનિકો પર સરદાર તરીકે નીમ્યો. એ સર્વ લોકની નજરમાં તથા શાઉલના ચાકરોની નજરમાં પણ સારુ લાગ્યું.

  18. ¶ જયારે દાઉદ પલિસ્તીઓને હરાવ્યા પછી તેઓ પાછા આવતા હતા ત્યારે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ગાતી તથા નાચતી, ખંજરી સાથે, આનંદથી, સંગીતનાં વાજિંત્રો વગાડતા શાઉલને મળવા માટે બહાર આવી.

  19. તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતાં ગાતાં એકબીજીને કહેતી હતી કે: “શાઉલે સહસ્ત્રને અને દાઉદે દસ સહસ્ત્રને સંહાર્યા છે.”

  20. ¶ તેથી શાઉલને ઘણો ક્રોધ ચઢયો અને આ ગીતથી તેને ખોટું લાગ્યું. તેણે કહ્યું કે, “તેઓએ દાઉદને દસ સહસ્ત્રનું માન આપ્યું છે, પણ તેઓએ મને તો માત્ર સહસ્ત્રનું જ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?”

  21. તે દિવસથી શાઉલ દાઉદને ઈર્ષ્યાની નજરે જોવા લાગ્યો.

  22. ¶ બીજે દિવસે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો, તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. તેથી દાઉદ પોતાના નિત્યના ક્રમ મુજબ વાજિંત્ર વગાડતો હતો. તે વખતે શાઉલના હાથમાં પોતાનો ભાલો હતો.

  23. શાઉલે તે ભાલો ફેંક્યો, તેનો ઇરાદો હતો કે, “તે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે જડી દેશે.” પણ દાઉદ શાઉલની આગળથી બે વખત ખસી ગયો.

  24. શાઉલ દાઉદથી બીતો હતો, કારણ કે ઈશ્વર તેની સાથે હતા, પણ શાઉલની પાસેથી તો તે દૂર થઈ ગયા હતા.

  25. દાઉદ પોતાના સર્વ કાર્યો ડહાપણપૂર્વક કરતો હતો. ઈશ્વર તેની સાથે હતા.