The First Temple વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
ત્યારે રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદાર વૃક્ષનાં લાકડાંના ઘરમાં રહું છું, પણ ઈશ્વરનો કરાર કોશ તંબુમાં રહે છે.”
“જા અને મારા સેવક દાઉદને કહે, ઈશ્વર એમ કહે છે કે: શું તું મારે રહેવા માટે ઘર બાંધશે?
¶ કેમ કે હું ઇઝરાયલ લોકોને મિસરમાંથી બહાર લાવ્યો તે દિવસથી આજ પર્યંત હું ઘરમાં રહ્યો નથી, પણ, તંબુમાં તથા મંડપમાં રહીને ચાલ્યો છું.
જે સર્વ જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલ લોકો સાથે ફર્યો છું, ત્યાં ઇઝરાયલના કુળના આગેવાનો જેને મેં મારા ઇઝરાયલ લોકોના પાળક તરીકે નીમ્યા હતા, તેઓમાંના કોઈને મેં એવું કહ્યું છે કે, “શા માટે તમે મારે સારું દેવદાર વૃક્ષના લાકડાંનું ઘર નથી બાંધ્યું?”
¶ મારા સેવક દાઉદને કહે કે, સૈન્યોના ઈશ્વર એવું કહે છે કે: તું ઘેટાંનાં ટોળાંની પાછળ ફરતો હતો ત્યાંથી મેં તને તેડાવી લીધો છે, કે તું મારા લોક ઇઝરાયલ પર અધિકારી બનશે.
જ્યાં તું ગયો ત્યાં હું તારી સાથે હતો. તારા સર્વ શત્રુઓને મેં તારી આગળથી નાબૂદ કર્યા છે. હવે પૃથ્વીના મહાન પુરુષોના નામ જેવું તારું નામ હું કરીશ.
¶ જયારે તારા દિવસો પૂરા થશે અને તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યાર પછી હું તારા વંશને ઊભો કરીશ જે તારું સંતાન છે, તેનું રાજય હું સ્થાપીશ.
તે મારા નામને માટે એક ઘર બાંધશે અને હું તેનું રાજયાસન સદાને માટે સ્થાયી કરીશ.
“તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેમાં જ્યાં સુધી યહોવાહે વિરોધીઓને હરાવ્યા નહિ, ત્યાં સુધી તેઓને લીધે પોતાના ઈશ્વર યહોવાહના નામને અર્થે તે ભક્તિસ્થાન બાંધી શક્યા નહિ.
¶ તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડાં કાપનારો કોઈ હોશિયાર માણસો નથી.”
¶ જયારે હીરામે સુલેમાનની વાતો સાંભળી, ત્યારે ઘણો આનંદિત થઈને બોલ્યો, “આજે યહોવાહની સ્તુતિ થાઓ કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”
હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, “જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી ઇચ્છા પ્રમાણે બધું કરીશ.
¶ મારા ચાકરો લાકડાંને લબાનોન પરથી સમુદ્રકિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્રમાર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”
¶ તેથી હીરામે સુલેમાનને તેની ઇચ્છા પ્રમાણે એરેજવૃક્ષોનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં.
સુલેમાને હીરામના ઘરનાંને ખોરાકી બદલ વીસ હજાર માપ ઘઉં અને વીસ હજાર માપ શુદ્ધ તેલ આપ્યું. સુલેમાન હીરામને વર્ષોવર્ષ એ પ્રમાણે આપતો.
યહોવાહે સુલેમાનને વચન પ્રમાણે જ્ઞાન આપ્યું હતું. હીરામ તથા સુલેમાનની વચ્ચે સંપ હતો અને તેઓ બન્નેએ અરસપરસ કરાર કર્યો.
¶ સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી સખત પરિશ્રમ કરનારું લશ્કર ઊભું કર્યું; તે લશ્કર ત્રીસ હજાર માણસોનું હતું.
તે તેઓમાંથી નિયતક્રમ પ્રમાણે દર મહિને દસ હજાર માણસોને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિનો લબાનોનમાં તથા બે મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ આ લશ્કરનો ઊપરી હતો.
¶ સુલેમાન પાસે સિત્તેર હજાર મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા એંસી હજાર હતા.
¶ ઇઝરાયલીઓ મિસર દેશમાંથી ચારસો એંશી વર્ષ પૂરાં થયા પછી ત્યાંથી બહાર આવ્યા. રાજા સુલેમાનના ઇઝરાયલ પરના શાસનના ચોથા વર્ષના ઝીવ માસમાં એટલે બીજા માસમાં તેણે ઈશ્વરના સભાસ્થાનનું બાંધકામ શરૂ કર્યું.
રાજા સુલેમાને જે ભક્તિસ્થાન યહોવાહ માટે બંધાવ્યુ તેની લંબાઈ સાઠ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ ત્રીસ હાથ હતી.
¶ ભક્તિસ્થાનના સભાખંડના સામેના પરસાળની પહોળાઈ વીસ હાથ અને લંબાઈ દસ હાથ હતી.
તેણે સભાસ્થાનને માટે જાળીવાળી સાંકડી બારીઓ બનાવડાવી.
¶ તેણે સભાસ્થાનની તેમ જ પરમપવિત્ર સ્થાનની દીવાલોની ચારેબાજુ માળ બનાવ્યા. તેણે તેની ચારેબાજુએ ઓરડીઓ બનાવી.
સૌથી નીચેના માળની પહોળાઈ સાડા સાત હાથ, વચ્ચેના માળની છ હાથ અને ત્રીજા માળની પહોળાઈ પાંચ હાથ હતી. કેમ કે મોભને માટે સભાસ્થાનની દીવાલોમાં ખાંચા પાડવા ના પડે માટે તેણે સભાસ્થાનની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી.