Skip to content
2 કાળવ્રત્તાંત ૨૬:૧-૧૯

2 કાળવ્રત્તાંત ૨૬:૧-૧૯

૧
યહૂદિયાના બધા લોકોએ સોળ વર્ષની ઉંમરના ઉઝિયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજગાદી પર બેસાડ્યો.
૨
અમાસ્યાના મૃત્યુ પછી ઉઝિયાએ યહૂદિયા માટે એલોથ પાછું મેળવ્યું. તેને ફરી બંધાવ્યું.
૩
ઉઝિયા રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યકોલ્યા હતું. તે યરુશાલેમની વતની હતી.
૪
તેના પિતા અમાસ્યાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે જ પ્રમાણે ઉઝિયાએ પણ કર્યું.
૫
ઝખાર્યાએ ઉઝિયાને ઈશ્વર વિશેનું શિક્ષણ આપ્યું હતું અને તેની હયાતીમાં તે ઈશ્વરની આરાધના કરતો હતો. જેમ જેમ તે ઈશ્વરના માર્ગે ચાલતો ગયો તેમ તેમ ઈશ્વરે તેને સમૃદ્ધિ આપી.
૬
ઉઝિયાએ પલિસ્તીઓ ઉપર ચઢાઈ કરીને ગાથ, યાબ્ને અને આશ્દોદનો કોટ તોડી પાડ્યો. તેણે આશ્દોદમાં અને પલિસ્તીઓના દેશમાં નગરો બંધાવ્યાં.
૭
ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ સહાય કરી.
૮
આમ્મોનીઓ ઉઝિયાને નજરાણું આપતા હતા અને તેની કીર્તિ મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો પરાક્રમી થયો હતો.
૯
આ ઉપરાંત, ઉઝિયાએ યરુશાલેમમાં ખૂણાના દરવાજે, ખીણને દરવાજે તથા દિવાલને ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા.
૧૦
તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં અને ઘણાં કૂવા ખોદાવ્યા, કારણ કે તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમ જ મેદાનમાં ઘણાં જાનવર હતાં. તેણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર ફળદ્રુપ ભૂમિમાં તથા પર્વતોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા, કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.
૧૧
આ ઉપરાંત, ઉઝિયા પાસે યુદ્ધ માટે સૈન્ય હતું. તેના સૈનિકો યેઈએલ ચિટનીસ તથા માસેયા અધિકારીએ નિયત કરેલી સંખ્યા પ્રમાણે, રાજાના સેનાપતિઓમાંના એકના, એટલે હનાન્યાના હાથ નીચે ટુકડીઓ પ્રમાણે લડવા નીકળી પડતા.
૧૨
પૂર્વજોનાં કુટુંબોના સરદારોની, એટલે મુખ્ય લડવૈયા પુરુષોની કુલ સંખ્યા બે હજાર છસોની હતી.
૧૩
તેમના હાથ નીચે ત્રણ લાખ, સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું, તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહા પરાક્રમથી લડીને તેને મદદ કરતા હતા.
૧૪
ઉઝિયાએ આખા સૈન્યને માટે ઢાલો, ભાલાઓ, ટોપ, બખતરો, ધનુષ્યો તથા ગોફણોના ગોળા તૈયાર કરાવ્યા.
૧૫
તેણે યરુશાલેમમાં બુરજો પર, મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરો દ્વારા યાંત્રિક ઉપકરણો બનાવડાવ્યા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી.
૧૬
પણ જયારે ઉઝિયા બળવાન થયો, ત્યારે તેનું હૃદય ભ્રષ્ટ થયું, તેથી તેનો નાશ થયો; તેણે પોતાના પ્રભુ, ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ ચઢાવવા માટે ઈશ્વરના ઘરમાં ગયો.
૧૭
અઝાર્યા યાજક તથા તેની સાથે ઈશ્વરના એંશી મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા.
૧૮
તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, “હે ઉઝિયા, ઈશ્વરની આગળ ધૂપ ચઢાવવો એ તારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ ચઢાવવા માટે પવિત્ર થયેલા છે, તે યાજકોનું એ કામ છે. સભાસ્થાનમાંથી બહાર આવ, કેમ કે તેં પાપ કર્યું છે. ત્યાં પ્રભુ, ઈશ્વર તરફથી તને સન્માન મળશે નહિ.”
૧૯
પછી ઉઝિયાને ક્રોધ ચઢયો. તેના હાથમાં ધૂપદાની હતી. જયારે તે યાજકો પર કોપાયમાન થયો હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં યાજકોના જોતાં ધૂપવેદીની બાજુમાં જ તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options