Sodom વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
¶ તેથી લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પુષ્કળ પાણી છે. ઈશ્વરે સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ ઈશ્વરની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.
¶ ઇબ્રામ કનાન દેશમાં રહ્યો અને લોત તે સપાટ પ્રદેશવાળા નગરોમાં ગયો. તેણે સદોમ નગરમાં સ્થાયી વસવાટ કર્યો.
હવે સદોમના માણસો ઈશ્વરની વિરુદ્ધ અતિ ભ્રષ્ટ તથા દુરાચારી હતા.
¶ શિનઆરના રાજા આમ્રાફેલે, એલ્લાસારના રાજા આર્યોખે, એલામના રાજા કદોરલાઓમેરે અને ગોઈમના રાજા તિદાલે પોતાની કારકિર્દી દરમિયાન,
સદોમના રાજા બેરા, ગમોરાના રાજા બિર્શા, આદમાના રાજા શિનાબ, સબોઈમના રાજા શેમેબેર અને બેલા એટલે સોઆરના રાજાની સામે લડાઈ કરી.
¶ એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા.
બાર વર્ષ સુધી તેઓ કદોરલાઓમેરના તાબે રહ્યા હતા, પણ તેરમા વર્ષે તેઓએ બળવો કર્યો.
પછી ચૌદમા વર્ષે કદોરલાઓમેર તથા જે રાજાઓ તેની સાથે હતા, તેઓએ આવીને આશ્તારોથ-કારનાઈમ દેશના રફાઈઓને, હામ દેશના ઝૂઝીઓને, શાવેહ કિર્યાથાઈમ દેશના એમીઓને,
હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા હતા તેઓના પર અરણ્ય પાસેના એલપારાન સુધી હુમલા કરીને મારતા રહ્યા.
¶ પછી તેઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ એટલે કાદેશમાં આવ્યા અને અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.
¶ પછી સદોમનો રાજા, ગમોરાનો રાજા, આદમાનો રાજા, સબોઈમનો રાજા, બેલા એટલે સોઆરના રાજાએ યુદ્ધની તૈયારી કરીને,
એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ તથા એલ્લાસારના રાજા આર્યોખ, એ ચાર રાજાઓએ પેલા પાંચ રાજાઓની વિરુદ્ધ લડાઈ કરી.
¶ હવે સિદ્દીમની ખીણોમાં ડામરના ઘણાં ખાડા હતા અને સદોમ તથા ગમોરાના રાજાઓ નાસી જઈને તેમાં પડ્યા. જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા.
પછી સદોમ તથા ગમોરામાંની ચીજવસ્તુઓ અને તેઓની સંપત્તિ લઈને પોતાને રસ્તે ચાલ્યા ગયા.
જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ ઇબ્રામનો ભત્રીજો લોત, જે સદોમમાં રહેતો હતો, તેને પણ પકડીને તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા.
¶ પછી તે પુરુષો ત્યાંથી જવાને ઊઠ્યા અને સદોમ તરફ જોયું. ઇબ્રાહિમ તેઓને તેઓના રસ્તા સુધી વળાવવા તેઓની સાથે ગયો.
પણ ઈશ્વરે કહ્યું, “જે હું કરવાનો છું તે શું હું ઇબ્રાહિમથી સંતાડું?
કેમ કે ઇબ્રાહિમથી નિશ્ચે એક મોટી તથા સમર્થ દેશજાતિ થશે અને તેના વંશમાં પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદિત થશે.
મેં તેને પસંદ કર્યો છે તેથી તે તેના દીકરાઓને તથા તેના પછી થનાર તેના પરિવારને એવું સૂચન કરશે કે, તેઓ ન્યાયી થવા તથા ન્યાય કરવાને યહોવાહનો માર્ગ અપનાવે, તે માટે કે ઇબ્રાહિમ સંબંધી મેં જે કહ્યું છે, તે તેઓ પાળે.”
¶ પછી ઈશ્વરે કહ્યું, “કેમ કે સદોમ તથા ગમોરાની ફરિયાદો ઘણી છે અને ત્યાં લોકોના પાપ ઘણાં ગંભીર છે,
માટે હું હવે, ત્યાં નીચે ઊતરીશ અને જોઈશ કે જે ફરિયાદ મારા સુધી પહોંચી છે તે પ્રમાણે તેઓ ભ્રષ્ટ થયા છે કે નહિ. જો એવું નહિ હોય તો મને માલૂમ પડશે.
¶ તેથી તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા, પણ ઇબ્રાહિમ ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો.
પછી ઇબ્રાહિમે પાસે આવીને કહ્યું, “શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો?
¶ કદાચ તે નગરમાં પચાસ ન્યાયી લોકો હોય, તો શું તમે તેનો નાશ કરશો અને ત્યાં એ પચાસ ન્યાયી છે તેને લીધે તેને નહિ બચાવો?