મુખ્ય સામગ્રી પર જાઓ

Riches વિશે બાઇબલની કલમો

225 કલમો · 107 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.

  2. નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે. નિશ્ચે દરેક જણ મિથ્યા ગભરાય છે તે સંગ્રહ કરે છે પણ તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.

  3. જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે.

  4. તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે બચાવી શકતો નથી અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી.

  5. કેમ કે તેના પ્રાણની કિંમત મોટી છે અને એ વિચાર તેણે સદાને માટે છોડી દેવો જોઈએ.

  6. તે સદાકાળ જીવતો રહે કે જેથી તેનું શરીર કબરમાં દફનાવાય નહિ.

  7. કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંત માણસો મરણ પામે છે; મૂર્ખ તથા અસભ્ય જેવા સાથે નાશ પામે છે અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.

  8. “જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”

  9. જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો.

  10. જુઓ, આ લોકો દુષ્ટ છે; હંમેશાં શાંતિમાં રહીને તેઓ વધારે અને વધારે ધનવાન થતા જાય છે.

  11. દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી, પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે.

  12. યહોવાહનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી.

  13. કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી, પણ નેકી મોતથી ઉગારે છે.

  14. પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે, પણ નેકીવાન લીલા પાનની માફક ખીલશે.

  15. કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે.

  16. દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી.

  17. કુમાર્ગે મેળવેલી સંપત્તિ કદી ટકતી નથી. પણ મહેનતથી સંગ્રહ કરેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.

  18. સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે.

  19. જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે, પણ મૂર્ખોની મૂર્ખાઈ તે જ તેમનો બદલો છે.

  20. નેકીવાનોના ઘરમાં ધનનો ભંડાર છે, પણ દુષ્ટની કમાણીમાં આફત હોય છે.

  21. ઘણું ઘન હોય પણ તે સાથે મુશ્કેલીઓ હોય, તેના કરતા થોડું ધન હોય પણ તે સાથે યહોવાહનો ભય હોય તે વધારે ઉત્તમ છે.

  22. વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે.

  23. જે લોભી છે તે પોતાના જ કુટુંબ પર આફત લાવે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તેનું જીવન આબાદ થશે.

  24. અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં, ન્યાયથી મળેલી થોડી આવક સારી છે.

  25. ગરીબ દયાને માટે કાલાવાલા કરે છે, પણ દ્વવ્યવાન ઉદ્ધતાઈથી જવાબ આપે છે.