Gethsemane વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યા અને શિષ્યોને કહ્યું કે, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.”
પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા.
પછી ઈસુએ તેઓને કહ્યું કે, “મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”
¶ પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
પછી ઈસુ શિષ્યોની પાસે આવ્યા અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે, “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?
તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.”
¶ બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.
ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.
¶ ત્યારે તેમણે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું કે, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે.
ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.”
¶ તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા.
હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.”
¶ તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો.
ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.
¶ તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.’”
ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.
ઈસુ તેઓને કહે છે, ‘મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.’”
¶ તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે, શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય.’”
તેમણે કહ્યું કે, ‘અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”
¶ ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, ‘સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી?
જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.’”
ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી.
¶ ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું.
ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, ‘શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે.