મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. યહોશુઆ ૭:૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પણ ઇઝરાયલના લોકો શાપિત વસ્તુ વિષે અપરાધ કરીને તે પ્રત્યે અવિશ્વાસુ સાબિત થયા. કેમ કે યહૂદાના કુળના ઝેરાહના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને શાપિત વસ્તુઓમાંથી કેટલીક લઈ લીધી. તેથી યહોવાહનો કોપ ઇઝરાયલના લોકો પર સળગી ઊઠ્યો.

  2. યહોશુઆ ૭:૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય નગર છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલ્યા અને તેણે તેઓને કહ્યું કે, “તમે જઈને તે દેશની જાસૂસી કરો.” તેથી માણસોએ જઈને આયની જાસૂસી કરી.

  3. યહોશુઆ ૭:૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તેઓ યહોશુઆ પાસે પાછા આવ્યા અને તેઓએ તેને કહ્યું કે, “સર્વ લોકોને આયમાં મોકલવા નહિ. માત્ર બે કે ત્રણ હજાર પુરુષોને મોકલ કે તેઓ જઈને આય પર હુમલો કરે. બધા લોકોને લડાઈમાં જવાની તકલીફ આપીશ નહિ. કારણ કે તેઓ સંખ્યામાં બહુ ઓછા છે.”

  4. યહોશુઆ ૭:૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ માટે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો ગયા, પણ આયના માણસોએ તેઓને નસાડ્યા.

  5. યહોશુઆ ૭:૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને આયના માણસોએ તેઓમાંથી આશરે છત્રીસ માણસોને માર્યા, ભાગળ આગળથી શબારીમ સુધી તેઓની પાછળ દોડીને પર્વત ઊતરવાની જગ્યા આગળ તેઓને માર્યા. તેથી લોકોનાં હૃદય ભયભીત થયાં અને તેઓ નાહિંમત થયા.

  6. યહોશુઆ ૭:૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં, તેણે અને ઇઝરાયલના વડીલોએ પોતાના માથા પર ધૂળ નાખી અને સાંજ સુધી તેઓ યહોવાહનાં કોશ આગળ, ભૂમિ પર પડી રહ્યાં.

  7. યહોશુઆ ૭:૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ત્યારે યહોશુઆ બોલ્યો, ‘અરે! હે પ્રભુ યહોવાહ, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા સારુ તમે આ લોકોને યર્દન પાર કેમ લાવ્યા? અમે યર્દનની પેલે પાર રહેવાનો નિર્ણય કર્યો હોત તો કેવું સારું!

  8. યહોશુઆ ૭:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ હે પ્રભુ, ઇઝરાયલે પોતાના શત્રુ સામે પીઠ ફેરવી દીધી છે, હવે હું શું બોલું?

  9. યહોશુઆ ૭:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    માટે કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ તે વિષે સાંભળશે. તેઓ અમને ચારેબાજુથી ઘેરી લેશે અને પૃથ્વી પરથી અમારો નાશ થશે. પછી તમે તમારા મહાન નામ વિષે શું કરશો?”

  10. યહોશુઆ ૭:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યહોવાહે યહોશુઆને કહ્યું કે, ઊઠ! એમ શા માટે નીચે પડી રહ્યો છે?

  11. યહોશુઆ ૭:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ઇઝરાયલે પાપ કર્યું છે. તેઓએ જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. શાપિત વસ્તુમાંથી કેટલીક લઈ પણ લીધી છે અને ચોરી તથા બંડ પણ કર્યું છે. વળી પોતાના સામાનની મધ્યે તેઓએ તે સંતાડ્યું છે.

  12. યહોશુઆ ૭:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    એ કારણથી, ઇઝરાયલના લોકો પોતાના શત્રુઓ આગળ ટકી શક્યા નહી, તેઓએ પોતાના શત્રુઓ સામે પીઠ ફેરવી છે, તેથી તેઓ શાપિત થયા છે. જે શાપિત વસ્તુ હજુ સુધી તમારી પાસે છે, તેનો જો તમે નાશ નહિ કરો તો હું તમારી સાથે કદી રહીશ નહી.

  13. યહોશુઆ ૭:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ઊઠ! લોકોને શુદ્ધ કર અને કહે, આવતીકાલને માટે તમે પોતાને શુદ્ધ કરો. કારણ કે ઇઝરાયલનો પ્રભુ યહોવાહ કહે છે, હે ઇઝરાયલ, તારી મધ્યે એક શાપિત વસ્તુ કાઢી નહિ નાખે, ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકી શકનાર નથી.

  14. યહોશુઆ ૭:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તેથી સવારમાં, પોતપોતાનાં કુળ પ્રમાણે તમે પોતાને રજૂ કરો. પછી એમ થશે કે, જે કુળને યહોવાહ ચિઠ્ઠીથી પકડે, તે કુટુંબવાર આગળ આવે. તેમાંથી યહોવાહ જે કુટુંબને પકડે તેનું પ્રત્યેક ઘર આગળ આવે. જે ઘરનાંને યહોવાહ પકડે તે ઘરનાં પુરુષો એક પછી એક આગળ આવે.

  15. યહોશુઆ ૭:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    એમ થાય કે જે વસ્તુ શાપિત છે તે જેની પાસેથી પકડાશે તે પુરુષને તથા તેના સર્વસ્વને બાળી નાંખવામાં આવશે. કારણ કે તેણે યહોવાહનો કરાર તોડયો છે અને ઇઝરાયલમાં શરમજનક મૂર્ખાઈ કરી છે.’”

  16. યહોશુઆ ૭:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને સવારે વહેલા ઊઠીને યહોશુઆએ ઇઝરાયલને, તેઓના કુળ પ્રમાણે ક્રમવાર રજૂ કર્યા ત્યારે યહૂદાનું કુળ પકડાયું.

  17. યહોશુઆ ૭:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તે યહૂદાના કુળને આગળ લાવ્યો, તેમાંથી ઝેરાહીઓનું કુટુંબ પકડાયું. પછી તે ઝેરાહીઓનાં કુટુંબમાંથી એક પછી એક વ્યક્તિને આગળ લાવ્યો ત્યારે તેમાંથી ઝાબ્દી પકડાયો.

  18. યહોશુઆ ૭:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તેના ઘરનાં પુરુષોને ક્રમવાર આગળ બોલાવાયા ત્યારે યહૂદાના કુળમાંથી ઝેરાહના પુત્ર, ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો.

  19. યહોશુઆ ૭:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું, “મારા દીકરા, ઇઝરાયલના પ્રભુ યહોવાહની આગળ સાચું બોલ અને તેમની સ્તુતિ કર. તેં જે કર્યું છે તે હવે મને કહે. મારાથી કશું છાનું રાખીશ નહી.”

  20. યહોશુઆ ૭:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, “ખરેખર, ઇઝરાયલના પ્રભુ, યહોવાહની વિરુદ્ધ મેં પાપ કર્યું છે. મેં જે કર્યું તે આ છે:

  21. યહોશુઆ ૭:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    લૂંટમાંથી એક સારો શિનઆરી જામો, 2 કિલો 300 ગ્રામ ચાંદી, 575 ગ્રામ વજનવાળું સોનાનું એક પાનું લેવાની લાલચ મને થઈ. આ બધું મેં મારા તંબુની મધ્યે જમીનમાં સંતાડેલું છે; ચાંદી સૌથી નીચે છુપાવી છે.”

  22. યહોશુઆ ૭:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યહોશુઆએ સંદેશાવાહક મોકલ્યા, તેઓ તંબુએ ગયા. તેઓએ જોયું તો બધું તંબુમાં સંતાડાયેલું હતું અને ચાંદી સૌથી નીચે હતી.”

  23. યહોશુઆ ૭:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને તેઓ તંબુમાંથી એ બધી વસ્તુઓ યહોશુઆની તથા સર્વ ઇઝરાયલ લોકોની પાસે લાવ્યા. તેઓએ તે બધું યહોવાહની આગળ મૂક્યું.

  24. યહોશુઆ ૭:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ, ઝેરાહના પુત્ર આખાનને તથા ચાંદી, જામો, સોનાનું પાનું, આખાનના દીકરા અને દીકરીઓ, બળદો, ગધેડાં, ઘેટાં, તંબુ, અને તેના સર્વસ્વને, આખોરની ખીણમાં લઈ ગયા.

  25. યહોશુઆ ૭:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પછી યહોશુઆએ કહ્યું, “તેં અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવાહ તને હેરાન કરશે.” અને સર્વ ઇઝરાયલીઓએ તેને પથ્થરે માર્યો. તેઓએ બધાંને અગ્નિમાં બાળ્યાં અને પથ્થરથી માર્યાં.