Skip to content
દારિયેલ ૬:૫-૨૭

દારિયેલ ૬:૫-૨૭

૫
ત્યારે આ માણસોએ કહ્યું, “જ્યાં સુધી આપણે તેના ઈશ્વરના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ કંઈ નિમિત્ત શોધીએ, ત્યાં સુધી આ દાનિયેલ વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત મળવાનું નથી.”
૬
પછી આ વહીવટદારો તથા સૂબાઓ રાજા પાસે યોજના લઈને આવ્યા. તેઓએ રાજાને કહ્યું, “હે રાજા દાર્યાવેશ, સદા જીવતા રહો!
૭
રાજ્યના બધા વહીવટદારો, સૂબાઓ, રાજકર્તાઓ, અમલદારો તથા સલાહકારોએ ભેગા મળીને ચર્ચા કરીને નિર્ણય કર્યો છે કે, આપે એવો હુકમ બહાર પાડવો જોઈએ કે, જે કોઈ આવતા ત્રીસ દિવસ સુધી આપના સિવાય બીજા કોઈ પણ દેવ કે, માણસની આગળ અરજ કરે, તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે.
૮
હવે, હે રાજા, એવો મનાઈ હુકમ કરો અને તેના સહીસિક્કા કરો જેથી તે બદલાય નહિ, માદીઓના તથા ઇરાનીઓના લોકોના કાયદાઓ રદ કરી શકાતા નથી.”
૯
તેથી રાજા દાર્યાવેશે મનાઈ હુકમ ઉપર સહી કરી.
૧૦
જ્યારે દાનિયેલને જાણ થઈ કે હુકમ ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે ઘરે આવ્યો તેના ઉપલા માળના ઓરડાની બારીઓ યરુશાલેમની તરફ ખુલ્લી રહેતી હતી. તે અગાઉ કરતો હતો તે પ્રમાણે દિવસમાં ત્રણ વાર ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરીને અને પોતાના ઈશ્વરનો આભાર માન્યો.
૧૧
ત્યારે આ માણસો જેઓએ ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ દાનિયેલને પોતાના ઈશ્વરની પ્રાર્થના કરતો અને તેમની સહાય માટે યાચના કરતો જોયો.
૧૨
તેથી તેઓએ રાજા પાસે જઈને તેના હુકમ વિષે કહ્યું, “હે રાજા, શું તમે એવો હુકમ ફરમાવ્યો ન હતો કે જે કોઈ ત્રીસ દિવસ સુધી આપના સિવાય બીજા કોઈપણ દેવ કે, માણસને અરજ કરશે તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે?” રાજાએ જવાબ આપ્યો, “આ વાત સાચી છે, માદીઓ તથા ઇરાનીઓનો કાયદા પ્રમાણે તે છે; જે કદી રદ થતા નથી.”
૧૩
તેઓએ રાજાને જવાબ આપ્યો, “યહૂદિયાના કેદીઓમાંનો એક દાનિયેલ, હે રાજા તમારી વાતો પર કે તમે સહી કરેલા હુકમ પર ધ્યાન આપતો નથી. તે દિવસમાં ત્રણ વખત પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે.”
૧૪
જ્યારે રાજાએ આ સાંભળ્યું, ત્યારે તેને ખૂબ જ દુ:ખ થયું, દાનિયેલને બચાવવાનો રસ્તો શોધવાનો મનમાં વિચાર કરવા લાગ્યો. સૂર્યાસ્ત થતાં સુધી દાનિયેલને બચાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.
૧૫
આ માણસો જેઓએ એકત્ર થઈને રાજા સાથે ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ આવીને તેને કહ્યું, “હે રાજા, આપે જાણવું જોઈએ કે, માદીઓ અને ઇરાનીઓના કાયદા એવા છે કે, રાજાએ કરેલો કોઈ હુકમ કે, કાયદો બદલી શકાતો નથી.”
૧૬
ત્યારે રાજાએ હુકમ કર્યો, તેઓએ દાનિયેલને લાવીને તેને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, “જે ઈશ્વરની તું સતત ઉપાસના કરે છે તે તને બચાવો.”
૧૭
એક મોટો પથ્થર લાવીને બિલના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યો, રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના અમીરોની મુદ્રા વડે સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરફાર થાય નહિ.
૧૮
પછી રાજા પોતાના મહેલમાં ગયો અને આખી રાત તેણે કંઈ ખાધું નહિ. તેમ વાજિંત્રો પણ તેની આગળ લાવવામાં કે વગાડવામાં આવ્યાં નહિ, તેની ઊંઘ ઊડી ગઈ.
૧૯
પછી રાજા બીજા દિવસે વહેલી સવારે ઊઠીને સિંહોના બિલ આગળ ગયો.
૨૦
જ્યારે તે બિલ આગળ પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારી. તેણે દાનિયેલને કહ્યું, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું સતત સેવા કરે છે, તે તારા ઈશ્વર તને સિંહોથી બચાવી શક્યા છે?”
૨૧
ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “હે રાજા, સદા જીવતા રહો.
૨૨
મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં એટલે તેઓ મને કશી ઈજા નથી કરી શક્યા. કેમ કે, હું તેઓની નજરમાં તથા તમારી આગળ પણ નિર્દોષ માલૂમ પડ્યો છું. અને હે રાજા, મેં આપનો પણ કોઈ ગુનો કર્યો નથી.”
૨૩
ત્યારે રાજાને ઘણો આનંદ થયો. તેણે હુકમ કર્યો કે, દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવે. તેથી દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો. તેના શરીર ઉપર કોઈપણ ઈજા જોવા મળી નહિ, કેમ કે તેણે પોતાના ઈશ્વરમાં વિશ્વાસ રાખ્યો હતો.
૨૪
પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યાં હતા તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓનાં સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલાં જ સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.
૨૫
પછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વી પર રહેતા લોકોને, પ્રજાઓને તથા વિવિધ ભાષા બોલનારાઓને પત્ર લખ્યો કે, “તમને અધિકાધિક શાંતિ થાઓ.
૨૬
હું હુકમ કરું છું કે, મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું. કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે. તેમના રાજ્યનો નાશ થશે નહિ; તેમની સત્તાનો અંત આવતો નથી.
૨૭
તે આપણને સંભાળે છે અને મુક્ત કરે છે, તે આકાશમાં અને પૃથ્વી પર, ચિહ્નો તથા ચમત્કારો કરે છે; તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.”

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options