હઝકિયેલ ૪૦:૧-૨૭
૧
¶ અમારા બંદીવાસના પચીસમા વર્ષે તે વર્ષની શરૂઆતના મહિનાના દસમા દિવસે એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમા દિવસે યહોવાહનો હાથ મારા પર આવ્યો અને તે મને ત્યાં લાવ્યો.
૨
સંદર્શનમાં ઈશ્વરે મને ઇઝરાયલ દેશમાં લાવ્યા. ઊંચા પર્વત પર દક્ષિણે એક નગર જેવું મકાન હતું તેના પર મને બેસાડ્યો.
૩
¶ તે મને ત્યાં લાવ્યા. જુઓ, ત્યાં પિત્તળની જેમ એક ચળકતો માણસ હતો. તેના હાથમાં માપવા માટે શણની દોરી તથા માપદંડ હતાં, તે નગરના દરવાજા આગળ ઊભો હતો.
૪
તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી આંખોથી જો, કાનથી સાંભળ, હું તને જે કંઈ બતાવું તેના પર તારું મન લગાડ, કેમ કે, હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. તું જે જુએ છે તે બધું ઇઝરાયલી લોકોને જણાવ.”
૫
¶ સભાસ્થાનની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં હતો, એક હાથ અને ચાર આંગળાનો એક, એવા છ હાથનો લાંબો માપવાનો માપદંડ તે માણસના હાથમાં હતો; તેણે તે દીવાલની પહોળાઈ માપી, તે એક લાકડી જેટલી હતી, ઊંચાઈ પણ એક લાકડી જેટલી હતી.
૬
ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે ઉંબરાનું માપ લીધું તો તે એક માપ પહોળો હતો.
૭
રક્ષકોની ખંડ એક માપ દંડ જેટલી લાંબી અને એક માપ દંડ જેટલી પહોળી હતી. રક્ષક ખંડોની વચ્ચે પાંચ હાથનું અંતર હતું, સભાસ્થાન તરફ જતી અંદરની પરસાળ એક માપ દંડ લાંબી હતી.
૮
¶ તેણે દરવાજાની પરસાળ માપી. અને તે એક માપ દંડ લાંબી હતી.
૯
પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી; તે આઠ હાથ થઈ. અને તેના થાંભલા બે હાથ લંબાઈ જેટલા જાડા હતા. આ પરસાળ સભાસ્થાન તરફ જતી હતી.
૧૦
રક્ષકોની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતી, તે એક જ માપની હતી, તેમની દીવાલોનું માપ પણ બધી બાજુએ સરખું હતું.
૧૧
¶ તે પછી તેણે દરવાજાના પ્રવેશ ભાગની પહોળાઈ માપી, તે દસ હાથ તથા તેની લંબાઈ તેર હાથ હતી.
૧૨
દરેક ખંડ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. ખંડો આ બાજુ છ હાથ લાંબા અને છ હાથ પહોળા હતા.
૧૩
પછી તેણે દરવાજો એક ખંડના છાપરાથી તે બીજી ખંડના છાપરા સુધી માપ્યો, એક દરવાજાથી સામેના દરવાજા સુધીનું માપ પચીસ હાથ હતું.
૧૪
¶ તેણે દીવાલ બનાવી હતી, તે સાઠ હાથની હતી; તેનું આંગણું દીવાલ સુધી પહોંચેલું હતું, તે દરવાજાની આસપાસ હતું.
૧૫
દરવાજાના આગળના ભાગથી પરસાળના છેડા સુધીનું માપ, પચાસ હાથ હતું.
૧૬
પરસાળની બન્ને તરફ તથા ખંડની ચારે તરફ જાળીઓ હતી. તે પરસાળને પણ હતી, અંદરની બાજુએ બારીઓ હતી. ત્યાં દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
૧૭
¶ ત્યાર બાદ તે માણસ મને સભાસ્થાનના બહારના આંગણાંમાં લાવ્યો. તો જુઓ, આંગણાંની ચારેબાજુ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી.
૧૮
ફરસબંધી દરવાજાની બાજુ હતી, તેની પહોળાઈ દરવાજાની લંબાઈ જેટલી હતી. આ નીચલી ફરસબંધી હતી,
૧૯
નીચલા દરવાજાની આગળના ભાગથી તે અંદરના દરવાજાની આગળ ભાગ સુધીનું તેણે અંતર માપ્યું; તે પૂર્વ તરફ સો હાથ હતું, ઉત્તર તરફ પણ સરખું હતું.
૨૦
¶ ત્યારે તેણે બહારના આંગણાનો દરવાજો જેનું મુખ ઉત્તર તરફ છે તે માપ્યો, તેની લંબાઈ તથા તેની પહોળાઈ તેણે માપી.
૨૧
તેની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતા, દરવાજા અને પરસાળનાં માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
૨૨
¶ તેની બારીઓ, પરસાળ, ખંડ તથા તેના ખજૂરીવૃક્ષની કોતરણી, પૂર્વના દરવાજાના જેવી હતી. ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની પરસાળ તેમની આગળ હતી.
૨૩
અંદરના આંગણાને દરવાજો હતો, તે ઉત્તરના તથા પૂર્વના દરવાજાની સામે હતો; તેણે એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તે સો હાથ હતું.
૨૪
¶ પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લાવ્યો, તેની દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજાઓના માપ જેટલું હતું.
૨૫
તેમાં અને તેની પરસાળમાં પણ બીજા દરવાજાઓની જેમ બારીઓ હતી. દક્ષિણનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
૨૬
¶ ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની આગળ પરસાળ હતી. દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
૨૭
દક્ષિણ તરફ અંદરના આંગણાંમાં દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે સો હાથ હતું.
Settings