Skip to content

Pekah વિશે બાઇબલની કલમો: Prophecies against

23 કલમો · 6 પાસાં

Prophecies against વિશે કલમો

  1. ¶ યહૂદિયાના રાજા ઉઝિયાના દીકરા યોથામના દીકરા આહાઝના સમયમાં, અરામના રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકાહ યરુશાલેમની સામે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તેના પર ફતેહ પામી શક્યા નહિ.

  2. દાઉદના વંશના રાજાને એ ખબર મળી કે, અરામ એફ્રાઇમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન અને તેના લોકોનાં મન જેમ વનનાં વૃક્ષો પવનથી કંપે એમ ગભરાયાં.

  3. ¶ ત્યારે યહોવાહે યશાયાને કહ્યું, “તું તારા પુત્ર શાર-યાશૂબને લઈને તમે બંને ધોબીના ખેતરને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાંના છેડા આગળ આહાઝને મળવા જાઓ.

  4. તું તેને કહે કે, ‘સાવધ રહે, શાંત રહે, ગભરાઈશ નહિ અને આ હોલવાઈ જતી મશાલના બે છેડાથી, એટલે અરામના રસીન તથા રમાલ્યાના દીકરા પેકાના રોષથી ભયભીત ન થા.

  5. ¶ અરામે, એફ્રાઇમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને, કહ્યું છે કે

  6. “આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ અને આપણે માટે તેમાં ભંગાણ પાડીએ અને ત્યાં ટાબએલના દીકરાને રાજા બનાવીએ.”

  7. પણ પ્રભુ યહોવાહ કહે છે કે, “એમ થશે નહિ; અને તે યોજના સફળ થશે નહિ,

  8. કારણ કે અરામનું શિર દમસ્કસ છે અને દમસ્કસનું શિર રસીન છે. અને પાંસઠ વર્ષમાં એફ્રાઇમ નાશ પામશે અને પ્રજાની ગણતરી રહેશે નહિ.

  9. એફ્રાઇમનું શિર સમરુન છે અને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. જો તમે વિશ્વાસમાં સ્થિર રહેશો નહિ તો તમે સુરક્ષિત રહેશો નહિ.”

  10. ¶ પછી યહોવાહે આહાઝ સાથે ફરીથી વાત કરી,

  11. “તું તારે માટે તારા ઈશ્વર યહોવાહ પાસે ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.”

  12. પરંતુ આહાઝે કહ્યું, “હું માગીશ નહિ, કે યહોવાહની પરીક્ષા કરીશ નહિ.”

  13. ¶ પછી યશાયાએ જવાબ આપ્યો, “હે દાઉદના વંશજો સાંભળો, તમે માણસોની ધીરજની પરીક્ષા કરો છો તે શું પૂરતું નથી? કેમ કે તમે હવે મારા ઈશ્વરની ધીરજની પરીક્ષા કરવા માગો છો?”

  14. તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.

  15. તે ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં અને મધ ખાશે.

  16. ¶ એ બાળક ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે અગાઉ જે બે રાજાથી તું ભયભીત થાય છે તેઓનો દેશ ઉજ્જડ થઈ જશે.

  17. કેમ કે બાળક રડતાં શીખે તે પહેલા, ‘મારા પિતા’ અને ‘મારી મા,’ એમ કહેવાની સમજણ આવશે તે પહેલાં દમસ્કસની સંપત્તિ અને સમરુનની લૂંટ આશ્શૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે.”

  18. ¶ વળી યહોવાહે ફરીથી મારી સાથે વાત કરી ને કહ્યું,

  19. “કારણ કે આ લોકોએ શિલોઆહના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડ્યું છે અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે,

  20. તેથી પ્રભુ તેઓ પર નદીના ધસમસતાં અને પુષ્કળ પાણીને, એટલે આશ્શૂરના રાજાને તેનાં સંપૂર્ણ ગૌરવ સાથે લાવશે. તે તેના સર્વ નાળાં પર અને સર્વ કાંઠા પર ફરી વળશે.

  21. તે યહૂદિયામાં ધસી આવશે, તે ઊભરાઈને આરપાર જશે તે ગળા સુધી ન પહોંચે ત્યાં સુધી. તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થશે.”

  22. હે વિદેશીઓ, સાંભળો, તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે: હે દૂર દેશના લોકો તમે યુદ્ધને માટે સજ્જ થાઓ અને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે; સજ્જ થાઓ અને ભાંગીને ચૂરેચૂરા થઈ જાઓ.

  23. યોજના તૈયાર કરો અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો અને તે નિષ્ફળ થશે, કેમ કે ઈશ્વર અમારી સાથે છે.