Locust વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું ફારુન પાસે જા. મેં તેને અને તેના સરદારોને એટલા માટે હઠાગ્રહી બનાવ્યા છે કે જેથી હું મારું ચમત્કારિક સામર્થ્ય તેઓની સમક્ષ પ્રગટ કરું.
અને તું તારા પુત્રને અને પૌત્રોને કહી શકે કે મેં આ મિસરના લોકોને કેવી સખત શિક્ષા કરી હતી, અને મેં તેઓને કેવા ચમત્કાર બતાવ્યા હતા. આથી તમને ખબર પડશે કે હું જ યહોવાહ છું.”
¶ મૂસા અને હારુન ફારુન પાસે ગયા અને કહ્યું, “હિબ્રૂઓના યહોવાહ કહે છે; ‘તું કયાં સુધી મારી આજ્ઞા ઉથાપ્યા કરીશ? મારા લોકોને મારું ભજન કરવા જવા દે.’
સાંભળી લે, જો તું મારા લોકોને મારું ભજન ઉપાસના કરવા જવા દેવાની ના પાડશે તો ખાતરી રાખજે આવતી કાલે હું તારા દેશમાં તીડોનો ઉપદ્રવ મોકલીશ.
¶ એ તીડો જમીન પર એવાં છવાઈ જશે કે જમીન દેખાશે જ નહિ. અને કરાની વર્ષા પછી તારી પાસે જે કાંઈ બચેલું છે, તે તેઓ ખાઈ જશે; તેઓ તારા ખેતરમાંના તમામે છોડ ખાઈ જશે.
તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમામ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં વસવાટ શરૂ કર્યો ત્યારથી આજસુધી જોયાં ના હોય એટલાં બધાં જથ્થાબંધ તીડો છવાઈ જશે.” પછી મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.
¶ ફારુનના સરદારોએ તેને કહ્યું, “અમે ક્યાં સુધી આ લોકો તરફથી ત્રાસ ભોગવતા રહીશું? એ લોકોને તેઓના ઈશ્વર યહોવાહ નું ભજન કરવા જવા દે. શું તું નથી જાણતો કે હવે મિસરનો સર્વનાશ થવા બેઠો છે?”
એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે બોલાવવામાં આવ્યા. ફારુને તેઓને કહ્યું, “ભલે, તમે જાઓ અને તમારા ઈશ્વર યહોવાહનું ભજન કરો. પણ મને જણાવો કે તમે કોણ કોણ જશો?”
¶ મૂસાએ જવાબ આપ્યો, “અમે અમારા યુવાનોને, વયસ્કોને, દીકરાદીકરીઓને, ઘેટાંબકરાંઓને તથા અન્ય જાનવરોને લઈ જઈશું. અમે બધાં જ જઈશું. કારણ એ અમારા માટે અમારા યહોવાહનું પર્વ છે.”
ફારુને તેઓને કહ્યું, “જેમ હું તમને અને તમારાં સર્વ બાળકોને મિસરમાંથી જવા દઈશ. ઈશ્વર તમારી સાથે રહો. જો કે મને તો એવું લાગે છે કે તમે કપટ વિચારી રહ્યા છો.
ના, બધાં જ નહિ, પણ તમારામાંથી માત્ર પુખ્ત પુરુષો જ યહોવાહનું ભજન કરવા જાઓ. બાકીનાં જઈ શકશે નહિ.” પછી ફારુને મૂસા અને હારુનને ત્યાંથી કાઢી મૂક્યા.
¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “મિસર દેશ પર તારો હાથ ઊંચો કર એટલે તમામ ભૂમિ પર તીડો છવાઈ જશે. એ તીડો કરાથી બચી ગયેલાં તમામ વૃક્ષો અને છોડવાઓને અને અન્ય વનસ્પતિને ખાઈ જશે.”
મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઊંચી કરી. યહોવાહે તે આખો દિવસ અને આખી રાત દરમ્યાન પૂર્વ તરફથી પવનનો મારો ચલાવ્યો અને સવાર થતાં સુધીમાં તો પૂર્વથી આવતો તોફાની પવન તીડોનાં ટોળેટોળાં લઈ આવ્યો.
¶ સમગ્ર મિસર પર તીડો પથરાઈ ગયાં અને આખા દેશની ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે પણ નહિ.
ઢગલાબંધ તીડો ભૂમિ પર છવાઈ ગયાં. તેઓથી ભૂમિ ઢંકાઈ ગઈ. કરાથી સમગ્ર મિસર દેશના જે વૃક્ષો અને વનસ્પતિ બચી ગયાં હતાં તેના પરનાં બધાં જ ફળ તીડો ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને અન્ય વનસ્પતિ નામશેષ થઈ ગયાં. ખેતરમાંનાં વૃક્ષો કે વનસ્પતિ પર એકે પાંદડું રહ્યું નહિ.
¶ પછી ફારુને ઉતાવળ કરીને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “મેં તમારા ઈશ્વર પ્રભુ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
આટલી વખત આ મારો અપરાધ માફ કરો અને તમારા ઈશ્વર યહોવાહને વિનંતી કરો તે મને તીડોના ત્રાસમાંથી અને મોત જેવી હાલતમાંથી બચાવે.
મૂસા ફારુનની પાસેથી વિદાય થયો. અને તેણે યહોવાહને પ્રાર્થના કરી.
¶ એટલે યહોવાહે પવનની દિશા બદલી નાખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફુંકાવા લાગ્યો. એ પવને તીડોને ઉડાડીને રાતા સમુદ્રમાં નાખી દીધાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ.
તે બોલ્યા અને અગણિત, તીડો આવ્યા.
તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં; તીડોએ રહેવા દીધેલું તે કાતરાઓ ખાઈ ગયા; અને કાતરાઓએ રહેવા દીધેલું તે ઈયળો ખાઈ ગઈ છે.
હે નશાબાજો, તમે જાગો અને વિલાપ કરો; સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, પોક મૂકીને રડો, કેમ કે, સ્વાદિષ્ઠ દ્રાક્ષારસ તમારા મુખમાંથી લઈ લેવાયો છે.
એક બળવાન પ્રજા કે જેના માણસોની સંખ્યા અગણિત છે. તે મારા દેશ પર ચઢી આવી છે. એ પ્રજાનાં દાંત સિંહના દાંત જેવા છે, તેની દાઢો સિંહણની દાઢો જેવી છે.
તેણે મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે અને મારી અંજીરી છોલી નાખી છે. તેણે તેની છાલ સંપૂર્ણ ઉતારી નાખી છે અને તેની ડાળીઓને સફેદ કરી નાખી છે.