Skip to content

Justification વિશે બાઇબલની કલમો

132 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેઓ કહેશે, “ફક્ત યહોવાહમાં મારું તારણ અને સામર્થ્ય છે.” જેઓ તેમના પ્રત્યે ક્રોધિત થયેલા છે, તેઓ તેમની સમક્ષ લજવાઈને સંકોચાશે.

  2. ઇઝરાયલનાં સર્વ સંતાનો યહોવાહમાં ન્યાયી ઠરશે; તેઓ પોતાનાં અભિમાન કરશે.

  3. હે હઠીલા લોકો, જે યોગ્ય છે તે કરવાથી દૂર રહેનારા, મારું સાંભળો.

  4. હું મારું ન્યાયીપણું પાસે લાવું છું; તે દૂર રહેનાર નથી અને હવે હું તમારો ઉદ્ધાર કરવાનો છું; અને હું સિયોનનો ઉદ્ધાર કરીશ અને મારી સુંદરતા ઇઝરાયલને આપીશ.

  5. મારું ન્યાયીપણું પાસે છે; હું જે ઉદ્ધાર કરવાનો છું તે બહાર પ્રગટ થશે અને મારા ભુજ દેશોનો ન્યાય કરશે; દ્વીપો મારી પ્રતિક્ષા કરશે, મારા ભુજની તેઓ આતુરતાથી રાહ જોશે.

  6. તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો અને નીચે પૃથ્વી તરફ નજર કરો, કેમ કે આકાશ ધુમાડાની જેમ જતું રહેશે, પૃથ્વી વસ્ત્રની જેમ જીર્ણ થશે અને તેના રહેવાસીઓ માખીઓની જેમ મરણ પામશે. પણ મેં કરેલો ઉદ્ધાર સદાકાળ રહેશે અને મારું ન્યાયીપણું ક્યારેય કામ કરવાનું બંધ કરશે નહિ.

  7. ¶ ખ્રિસ્તની સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારનાં ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે.

  8. કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’”

  9. ¶ પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી, અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે;

  10. એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી.

  11. પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.

  12. ¶ ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી લોકો માટે પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યાં, કે જેથી અગાઉ થયેલાં પાપની માફી અપાઈ તે વિષે તે પોતાનું ન્યાયીપણું બતાવે;

  13. એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.

  14. પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.

  15. ¶ તે જ રીતે ઈશ્વર જે મનુષ્યને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે આશીર્વાદ આપે છે કે,

  16. ‘જેઓનાં અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયા છે, તેઓ આશીર્વાદિત છે.

  17. જેનાં પાપ પ્રભુ નહિ ગણે તે મનુષ્ય આશીર્વાદિત છે.’”

  18. ¶ ત્યારે તે આશીર્વાદ સુન્નતીને જ આપવામાં આવ્યો છે, કે બેસુન્નતીને પણ? આપણે એવું તો કહીએ છીએ કે ‘ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.’”

  19. ત્યારે તે શી રીતે ગણાયો? તે સુન્નતી હતો ત્યારે? કે બેસુન્નતી હતો ત્યારે? સુન્નતી હતો ત્યારે નહિ, પણ બેસુન્નતી હતો ત્યારે જ.

  20. ¶ અને તે બેસુન્નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું તેને મળ્યું હતું, તેની ઓળખ થવા માટે તે સુન્નતની નિશાની પામ્યો, જેથી સર્વ બેસુન્નતી વિશ્વાસીઓનો તે પૂર્વજ થાય કે તેઓને લેખે તે પણ વિશ્વાસનું ન્યાયીપણું ગણાય.

  21. અને સુન્નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્નતી છે એટલું જ નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્નતી હતો તે સમયના તેના વિશ્વાસનાં પગલામાં જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય.

  22. ¶ કેમ કે દુનિયાના વારસ થવાનું વચન ઇબ્રાહિમને કે તેના વંશજોને નિયમશાસ્ત્ર દ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાયીપણા દ્વારા મળ્યું હતું.

  23. કેમ કે જો નિયમશાસ્ત્રને માનનારા વારસ હોય, તો વિશ્વાસ નિરર્થક થાય છે અને વચન પણ વ્યર્થ થાય છે.

  24. કેમ કે નિયમશાસ્ત્ર તો કોપ ઉપજાવે છે, પણ જ્યાં નિયમ નથી ત્યાં અપરાધ પણ નથી.

  25. ¶ તે વચન કૃપાથી થાય, અને વચન બધા વંશજોને માટે અચૂક થાય એટલે માત્ર જેઓ નિયમશાસ્ત્ર પાળે છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમનાં વિશ્વાસના છે, તેઓને માટે પણ થાય;