Skip to content
માથ્થી ૨૬:૫૯-૭૫

માથ્થી ૨૬:૫૯-૭૫

૫૯
મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી.
૬૦
જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે,
૬૧
“આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’”
૬૨
ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.”
૬૩
પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.”
૬૪
ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.”
૬૫
ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.
૬૬
તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”
૬૭
ત્યારે તેઓએ તેમના મુખ પર થૂંકીને તેમને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે,
૬૮
“ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.”
૬૯
પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકાએ તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.”
૭૦
પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.”
૭૧
તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.”
૭૨
પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.”
૭૩
થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.”
૭૪
ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો.
૭૫
જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options