Skip to content
યર્મિયા ૩૪:૪-૨૨

યર્મિયા ૩૪:૪-૨૨

૪
તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા તું યહોવાહનું વચન સાંભળ હું યહોવાહ તારા વિષે કહું છું કે, તું તલવારથી મૃત્યુ પામીશ નહિ.
૫
પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેઓએ તારા પિતૃઓની એટલે તારા પહેલાંના રાજાઓની દહનક્રિયાઓ કરી તેમ તેઓ તારી દહનક્રિયા કરશે. અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અફસોસ ઓ અમારા પ્રભુ!” આ યહોવાહનું વચન છે.’”
૬
તેથી યર્મિયા પ્રબોધકે યહૂદિયાના રાજા સિદકિયાને આ સર્વ વચન યરુશાલેમમાં કહી સંભળાવ્યાં.
૭
તે સમયે બાબિલ રાજાનું સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયાનાં બાકી રહેલાં નગરો લાખીશ અને અઝેકા નગરોની સામે લડતું હતું. કેમ કે યહૂદિયાનાં નગરોમાંનાં કિલ્લેબંદીવાળાં નગરો આ બે જ હતાં.
૮
યહૂદિયાના રાજા સિદકિયાએ યરુશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યર્મિયાની પાસે યહોવાહનું જે વચન આવ્યું તે આ છે.
૯
દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ દાસીઓને છોડી મૂકે. જેથી કોઈ પણ માણસ તેઓની પાસે એટલે પોતાના યહૂદા ભાઈ બહેનો પાસે સેવા કરાવે નહિ.
૧૦
બધા જ સરદારો અને લોકો એવા કરારના બંધનમાં આવ્યા હતા કે, દરેક પોતાના દાસ અને દાસીને મુકત કરે તથા તેઓને હવે ગુલામ તરીકે ન રાખવા એ કરારનું પાલન કરી તેઓએ તેઓને મુક્ત કર્યા.
૧૧
પણ પાછળથી તેઓનાં મન બદલાઈ ગયાં અને જે દાસો અને દાસીઓને મુક્ત કર્યા હતા તેઓને તેઓએ ફરીથી પોતાના ગુલામ બનાવ્યા. અને તેઓને ગુલામો તરીકે રાખ્યા.
૧૨
તેથી યહોવાહ નું વચન યર્મિયાની પાસે આવ્યું અને કહ્યું;
૧૩
યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જયારે હું તમારા પિતૃઓને મિસર દેશમાંથી એટલે દાસત્વના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો. ત્યારે મેં તેઓની સાથે કરાર કરીને કહ્યું હતું કે,
૧૪
‘તારા જે હિબ્રૂભાઈને તેં વેચાતો લીધો છે. અને જેણે છ વર્ષ તમારી ગુલામી કરી હોય, તેને તમારે સાતમે વર્ષને અંતે છોડી મૂકવો.’ પરંતુ તમારા પિતૃઓેએ મારું કહ્યું સાંભળ્યું નહિ અને તેના પર ધ્યાન પણ આપ્યું નહિ.
૧૫
મેં તમને ફરમાવ્યું હતું તે પ્રમાણે મારી દ્દ્ષ્ટિમાં જે યોગ્ય છે તે તમે હમણાં કર્યું છે અને તમારા ગુલામોને મુકત કર્યા છે. અને જે ભક્તિસ્થાન મારા નામથી ઓળખાય છે તેમાં તમે મારી આગળ કરાર કર્યો હતો.
૧૬
પરંતુ હવે તમે ફરી ગયા અને મારા નામને અપવિત્ર કર્યું. અને તમે છોડી મૂકેલાં દાસ દાસીઓને તમે પાછાં બોલાવી લીધાં છે. અને ફરી તમારાં ગુલામ બનાવ્યાં.”
૧૭
તેથી યહોવાહ કહે છે; તમે પોતાના ભાઈઓને અને પડોશીઓને મુકત કર્યા નથી. તેથી યહોવાહ કહે છે કે “હું તમને તલવાર, દુકાળ અને મરકીને હવાલે કરીશ. પૃથ્વીના સર્વ રાજ્યોમાં હું તેઓને વિખેરી નાખીશ.
૧૮
જેઓએ મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે, જેઓએ વાછરડાને બે ટુકડા કરી તેના બે ભાગો વચ્ચેથી જઈને મારી આગળ કરાર કર્યો હતો. પણ તેનાં વચનો પાળ્યાં નથી.
૧૯
એટલે યહૂદિયાના તથા યરુશાલેમના સરદારોને, ત્યાંના ખોજાઓને, યાજકોને તથા વાછરડાના બે ભાગો વચ્ચે થઈને ગયેલી દેશની સર્વ પ્રજાને.
૨૦
હું તેઓને તેઓના શત્રુઓના હાથમાં તથા તેઓના જીવ શોધનારના હાથમાં સોંપી દઈશ. અને તેઓનાં મૃતદેહ આકાશના પક્ષીઓ અને ભૂમિનાં જંગલી પશુઓ ખાશે.
૨૧
યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો સંહાર કરવા માગે છે તેઓના હાથમાં અને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ.
૨૨
યહોવાહ કહે છે; જુઓ, હું આજ્ઞા કરીને તેઓને આ નગરની પાસે પાછા બોલાવીશ. તેઓ તેની સાથે લડશે અને તેને જીતી લેશે. અને તેઓ તેને આગ લગાડીને બાળી મૂકશે. એ રીતે હું યહૂદિયાના નગરોને વસ્તીહીન તથા ઉજ્જડ કરી નાખીશ.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options