માથ્થી ૬:૧-૧૮
૧
¶ માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંના તમારા પિતાથી તમને બદલો મળશે નહિ.
૨
માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
૩
¶ પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે,
૪
એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
૫
¶ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
૬
પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાં તમારા પિતાને પ્રાર્થના કરો; અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
૭
તમે પ્રાર્થના કરતાં બિનયહૂદીઓની જેમ બકવાસ ન કરો; કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણાં બોલવાથી અમારું સાંભળવામાં આવશે.
૮
¶ એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને જરૂર છે, તે તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.
૯
માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.
૧૦
તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
૧૧
દિવસની અમારી રોટલી આજ અમને આપો.
૧૨
જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.
૧૩
અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”
૧૪
¶ કેમ કે જો તમે માણસોના અપરાધો તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે.
૧૫
પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ માફ નહિ કરે.
૧૬
¶ વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળાં ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં પડી ગયેલા બતાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
૧૭
પણ જયારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારા માથા પર તેલ લગાવો અને તમારો ચહેરો ધોઓ,
૧૮
એ માટે કે ફક્ત માણસો ન જાણે કે તમે ઉપવાસ કરી રહ્યા છો, પણ તમારા પિતા જે ગુપ્તમાં છે તેમને તમે ઉપવાસી દેખાવ. અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
Settings