પુનર્નિયમ ૨:૨૪-૩૭
૨૪
¶ “હવે તમે ઊઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો; જુઓ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમ જ તેના દેશને તમારા હાથમાં સોંપી દીધો છે. તેનું વતન જીતવાનું શરૂ કરો અને તેની સાથે યુદ્ધ કરો.
૨૫
હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તમારો ડર તથા ધાક એવો બેસાડીશ કે તેઓ તમારી ખ્યાતી સાંભળી ધ્રૂજશે અને તીવ્ર વેદનાથી દુઃખી થશે.”
૨૬
¶ અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સીહોન પાસે સંદેશવાહકો મોકલ્યા કે, તેઓ શાંતિનો સંદેશો લઈને કહે કે,
૨૭
“અમને તારા દેશમાં થઈને જવા દે; અમે રસ્તે જ ચાલીશું; ડાબે કે જમણે હાથે વળીશું નહિ.
૨૮
¶ ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ; પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવું; ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે;
૨૯
જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવાહ અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવપુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે.”
૩૦
¶ પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી; કેમ કે ઈશ્વર તમારા યહોવાહ તેનું મન કઠણ અને હૃદય હઠીલું કર્યું હતું કે તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજે છે તેમ.
૩૧
અને યહોવાહે મને કહ્યું, ‘જો મેં સીહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરવાનો આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવાનું શરૂ કર કે જેથી તું તે દેશનો વારસો પામે.”
૩૨
¶ “ત્યારે સીહોન તથા તેના સર્વ લોક યાહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા.
૩૩
પરંતુ આપણા ઈશ્વર યહોવાહે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેને તથા તેના પુત્રોને તથા તેના સર્વ લોકોને હરાવ્યા.
૩૪
¶ આપણે તેનાં સર્વ નગરો જીતી લીધા. અને વસ્તીવાળાં સર્વ નગરોનો, તેઓની સ્ત્રીઓ તથા બાળકો શુદ્ધા તેઓનો પૂરો નાશ કર્યો. કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ.
૩૫
ફક્ત જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમની લૂંટ સાથે આપણે પોતાને સારુ જાનવરો લીધા.
૩૬
¶ આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોએર તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એક પણ નગર એવું મજબૂત નહોતું કે આપણાથી જિતાય નહિ. ઈશ્વર આપણા યહોવાહે આપણા સર્વ શત્રુઓ પર વિજય આપ્યો.
૩૭
ફક્ત આમ્મોનપુત્રોના દેશની નજીક તથા યાબ્બોક નદીના કાંઠા પરનો આખો પ્રદેશ, પર્વતીય પ્રદેશના નગરો તથા જે જગ્યા વિષે આપણા ઈશ્વર યહોવાહે આપણને મના કરી હતી ત્યાં આપણે ગયા જ નહિ.
Settings