Skip to content
2 કાળવ્રત્તાંત ૯:૧-૧૬

2 કાળવ્રત્તાંત ૯:૧-૧૬

૧
જયારે શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિષે સાંભળ્યું ત્યારે તે તેની કસોટી કરવા માટે અટકટા પ્રશ્નો લઈને યરુશાલેમ આવી. તે મોટા રસાલા સહિત પોતાની સાથે સુગંધીઓથી લાદેલાં ઊંટો, પુષ્કળ સોનું, મૂલ્યવાન રત્નો લઈને યરુશાલેમમાં આવી. જયારે તે સુલેમાન પાસે આવી, ત્યારે તેણે પોતાના અંત:કરણમાં જે કંઈ હતું તે સર્વ તેને કહ્યું.
૨
સુલેમાને તેના સર્વ પ્રશ્નોના જવાબ તેને આપ્યાં; સુલેમાન માટે કંઈ જ અઘરું હતું નહિ; જેનો જવાબ તેણે આપ્યો ના હોય એવો કોઈ જ પ્રશ્ન ન હતો.
૩
જયારે શેબાની રાણીએ સુલેમાનનું જ્ઞાન અને તેણે બાંધેલો મહેલ,
૪
તેના મેજ પરની વાનગીઓ, તેના ચાકરોનું બેસવું, તેના ચાકરોનું કામ, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો અને તેઓના વસ્ત્રો અને ઈશ્વરના ઘરમાં જે રીતથી તે દહનીયાર્પણ કરતો હતો તે સર્વ જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ.
૫
તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તારા વિષે તથા તારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે.
૬
અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું ત્યાં સુધી હું તે માનતી નહોતી. તારા જ્ઞાન અને સંપત્તિ વિષે મને અડધું પણ કહેવામાં આવ્યું નહોતું! મેં જે સાંભળ્યું હતું તેના કરતાં તારું જ્ઞાન અતિ વિશાળ છે.
૭
તારા લોકો કેટલા બધા આશીર્વાદિત છે અને સદા તારી આગળ ઊભા રહેનારા તારા ચાકરો પણ કેટલા આશીર્વાદિત છે કેમ કે તેઓ તારું જ્ઞાન સાંભળે છે!
૮
ઈશ્વર તારા પ્રભુની સ્તુતિ થાઓ કે જેમણે તારા પર પ્રસન્ન થઈને તારા પ્રભુ ઈશ્વરને માટે રાજા થવા સારુ તને સિંહાસન પર બેસાડ્યો છે. તેઓ ઇઝરાયલને પ્રેમ કરતા હોવાથી તેને કાયમ માટે સ્થાપિત કર્યું છે. તેથી તેમણે તને રાજા બનાવ્યો કે જેથી તું તેઓનો ન્યાય કરે.”
૯
રાણીએ એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ માત્રામાં સુગંધીઓ અને કિંમતી રત્નો આપ્યાં. જે ભારે માત્રામાં શેબાની રાણીએ રાજા સુલેમાનને અત્તરો આપ્યાં હતા તેવાં અત્તર ફરી કદી કોઈએ તેને આપ્યાં નહોતાં.
૧૦
હીરામ રાજાના ચાકરો અને સુલેમાન રાજાના ચાકરો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડાં અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.
૧૧
તે ચંદનના લાકડામાંથી રાજાએ ઈશ્વરના સભાસ્થાનના અને તેના મહેલના પગથિયાં અને સંગીતકારો માટે સિતાર તથા વીણા બનાવ્યાં. યહૂદિયાના દેશમાં અગાઉ આવાં લાકડાં કદી પણ જોવામાં આવ્યાં નહોતાં.
૧૨
રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન રાજાને માટે જે ભેટસોગાદ તે લઈ આવી હતી તેટલી જ કિંમતની સમી ભેટ સુલેમાને પણ તેને આપી. વળી તેણે તેની સર્વ ઇચ્છા તૃપ્ત કરી. તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ગઈ.
૧૩
હવે દર વર્ષે સુલેમાન રાજાની પાસે છસો છાસઠ તાલંત સોનું આવતું હતું.
૧૪
આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના રાજ્યપાલ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતાં હતાં તે તો વધારાના હતાં.
૧૫
રાજા સુલેમાને સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં છ હજાર શેકેલ સોનું વપરાયું હતું.
૧૬
વળી તેણે ઘડેલા સોનાની ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલ દસ તોલાના સોનાની બનેલી હતી; રાજાએ તેઓને લબાનોનના વનગૃહના મહેલમાં મૂકી.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options