1 શમુએલ ૪:૧-૧૫
૧
¶ શમુએલનું વચન સર્વ ઇઝરાયલીઓ પાસે આવતું હતું. હવે ઇઝરાયલીઓ પલિસ્તીઓ સામે યુદ્ધ કરવા ગયા. તેઓએ એબેન-એઝેરમાં છાવણી નાખી અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી.
૨
¶ પલિસ્તીઓએ ઇઝરાયલીઓ વિરુદ્ધ યુદ્ધ માટે વ્યૂહરચના કરી. જયારે યુદ્ધ થયું, ત્યારે પલિસ્તીઓની સામે ઇઝરાયલીઓ હારી ગયા, પલિસ્તીઓએ યુદ્ધના મેદાનમાં આશરે ચાર હજાર ઇઝરાયલીઓનો સંહાર કર્યો.
૩
¶ જયારે લોકો છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “શા માટે આજે ઈશ્વરે પલિસ્તીઓની સામે આપણને હરાવ્યા? ચાલો આપણે શીલોમાંથી ઈશ્વરનો કરારકોશ પોતાની પાસે લાવીએ, કે તે આપણી સાથે અહીં રહે, જેથી આપણને આપણા શત્રુઓના હાથમાંથી બચાવે.”
૪
જેથી લોકોએ શીલોમાં માણસો મોકલ્યા; તેઓએ ત્યાંથી સૈન્યના ઈશ્વર જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે, તેમના કરારકોશને લાવ્યા. એલીના બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ, ઈશ્વરના કરારકોશ સાથે ત્યાં આવ્યા હતા.
૫
¶ જયારે ઈશ્વરના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ મોટેથી પોકાર કર્યો અને પૃથ્વીમાં તેના પડઘા પડ્યા.
૬
પલિસ્તીઓએ એ અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીમાંથી આવા મોટેથી પોકારો કેમ થાય છે?” તેઓ સમજ્યા કે ઈશ્વરનો કોશ તેઓની છાવણીમાં આવ્યો છે.
૭
¶ પલિસ્તીઓ ભયભીત થયા; તેઓએ કહ્યું, “ઈશ્વર છાવણીમાં આવ્યા છે.” તેઓએ કહ્યું, “આપણને અફસોસ! પહેલાં ક્યારેય આવું બન્યું નથી!
૮
આપણને અફસોસ! આ પરાક્રમી ઈશ્વરના હાથમાંથી આપણને કોણ છોડાવશે? આ એ જ ઈશ્વર છે કે જેમણે અરણ્યમાં મિસરીઓને સર્વ પ્રકારની મરકીથી માર્યા હતા.
૯
ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, હિંમત રાખો, જેમ હિબ્રૂઓ તમારા ગુલામ થયા હતા, તેમ તમે તેઓના ગુલામ ન થાઓ. હિંમત રાખીને લડો.”
૧૦
¶ પલિસ્તીઓ લડયા, ઇઝરાયલીઓની હાર થઈ. પ્રત્યેક માણસ પોતપોતાના તંબુમાં નાસી ગયો અને ઘણો મોટો સંહાર થયો; કેમ કે ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર સૈનિકો માર્યા ગયા.
૧૧
પલિસ્તીઓ ઈશ્વરનો કોશ લઈ ગયા તથા એલીના બે દીકરા, હોફની તથા ફીનહાસ, માર્યા ગયા.
૧૨
¶ બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી ભાગ્યો, તેના વસ્ત્ર ફાટી ગયેલાં હતા, તેના માથામાં ધૂળ સાથે તે જ દિવસે તે શીલોમાં આવી પહોંચ્યો.
૧૩
તે આવ્યો ત્યારે, એલી રસ્તાની કોરે આસન ઉપર બેસીને રાહ જોતો હતો કેમ કે તેનું હૃદય ઈશ્વરના કોશ વિષે ખૂબ જ ગભરાતું હતું. જયારે તે માણસે નગરમાં આવીને તે ખબર આપી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.
૧૪
જયારે એલીએ તે રુદનનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું,” આ શોરબકોર શાનો છે?” તે માણસે ઉતાવળથી આવીને એલીને જાણ કરી.
૧૫
એલી તો અઠ્ઠાણું વર્ષની ઉંમરનો હતો; તેની આંખો એટલી બધી ઝાંખી પડી ગઈ હતી, કે તે જોઈ શકતો નહોતો.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0
Settings