1 રાજઓ ૨૨:૨૨-૩૮
૨૨
આત્માએ જવાબ આપ્યો, ‘હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ.’ યહોવાહે જવાબ આપ્યો, ‘તું તેને લલચાવીશ અને સફળ પણ થઈશ. હવે જા અને એ પ્રમાણે કર.’
૨૩
હવે જો, યહોવાહે આ તમારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવાહે તમારું અહિત ઉચ્ચાર્યું છે.”
૨૪
¶ પછી કેનાહના દીકરા સિદકિયાએ પાસે આવીને મિખાયાના ગાલ પર તમાચો મારીને કહ્યું, “યહોવાહનો આત્મા તારી સાથે બોલવા માટે મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો?”
૨૫
મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવા માટે અંદરની ઓરડીમાં ભરાઈ જશે, તે દિવસે તે તું જોશે.”
૨૬
¶ ઇઝરાયલના રાજાએ કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના આગેવાન આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે લઈ જાઓ.
૨૭
તેને કહો, ‘રાજા એમ કહે છે, આ માણસને જેલમાં પૂરો અને હું સહિસલામત પાછો આવું ત્યાં સુધી થોડી રોટલી તથા પાણીથી તેનું પોષણ કરજો.’
૨૮
પછી મિખાયાએ કહ્યું, “જો તું સુરક્ષિત પાછો આવે, તો યહોવાહ મારી મારફતે બોલ્યા નથી એમ સમજવું.” અને વળી તેણે કહ્યું, “હે સર્વ લોકો તમે આ સર્વ સાંભળો.”
૨૯
¶ પછી ઇઝરાયલના રાજા આહાબે અને યહૂદિયાના રાજા યહોશાફાટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરી.
૩૦
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો પોષાક બદલીને યુદ્ધમાં જઈશ, પણ તું તારો રાજપોષાક પહેરી રાખ.” તેથી ઇઝરાયલનો રાજા પોતાનો પોષાક બદલીને યુદ્ધમાં ગયો.
૩૧
¶ હવે અરામના રાજાએ પોતાના બત્રીસ રથાધિપતિઓને આજ્ઞા કરી હતી, “માત્ર ઇઝરાયલના રાજા સિવાય કોઈપણ નાના કે મોટાની સાથે લડશો નહિ.”
૩૨
જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું, “ચોક્કસ આ ઇઝરાયલનો રાજા છે.” તેથી તેઓ તેના પર હુમલો કરવા વળ્યા, તેથી યહોશાફાટે જોરથી બૂમ પાડી.
૩૩
અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે આ ઇઝરાયલનો રાજા નથી ત્યારે તેઓએ તેનો પીછો કરવાનું છોડી દીધું.
૩૪
¶ પરંતુ એક સૈનિકે તીર છોડ્યું. એ તીર ઇઝરાયલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે થઈને વાગ્યું. તેથી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા. કેમ કે મને કારમો ઘા વાગ્યો છે.”
૩૫
¶ તે દિવસે દારુણ યુદ્ધ મચ્યું અને રાજાને તેના રથમાં અરામીઓ તરફ મોં રહે તે રીતે બેસાડી રાખવામાં આવ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથને તળિયે ગયું અને સાંજ થતાં તે મૃત્યુ પામ્યો.
૩૬
પછી દિવસને અંતે સૂર્યાસ્ત થતાં જ રાજાની લશ્કરી છાવણીમાં એક મોટો પોકાર થયો, “દરેક જણ પોતપોતાના નગરમાં અને પોતપોતાના દેશમાં જાઓ!”
૩૭
¶ રાજાના મૃતદેહને સમરુનમાં લાવવામાં આવ્યો અને ત્યાં તેને દફનાવવામાં આવ્યો.
૩૮
સમરુનના તળાવને કિનારે જ્યાં ગણિકાઓ સ્નાન કરવા આવતી હતી રથ ધોયો અને યહોવાહનો વચન પ્રમાણે કૂતરાંઓએ તેનું લોહી ચાટ્યું.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0
Settings