મુખ્ય સામગ્રી પર જાઓ

Rebekah વિશે બાઇબલની કલમો: Prompts Jacob to deceive Isaac

25 કલમો · 9 પાસાં

Prompts Jacob to deceive Isaac વિશે કલમો

  1. ¶ હવે જયારે ઇસહાક તેના દીકરા એસાવની સાથે વાત કરતો હતો ત્યારે રિબકાએ તે સાંભળ્યું હતું. એસાવ શિકાર કરી લાવવા માટે જંગલમાં ગયો.

  2. ત્યારે રિબકાએ તેના નાના દીકરા યાકૂબને કહ્યું, “જો, તારા ભાઈ એસાવની સાથે તારા પિતાને મેં વાત કરતા સાંભળ્યા છે. તેમણે કહ્યું,

  3. ‘તું શિકાર લાવીને મારે સારુ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર, કે હું તે ખાઉં અને હું મરણ પામું તે અગાઉ ઈશ્વરની હજૂરમાં તને આશીર્વાદ આપું”

  4. ¶ માટે, મારા દીકરા, હું તને જે આજ્ઞા કરું તે પ્રમાણે મારું કહેવું માન.

  5. તું આપણાં ટોળાંમાંથી ઘેટાંબકરાંનાં બે સારાં લવારાં મારી પાસે લઈ આવ. તેનું હું તારા પિતાને ભાવતું સ્વાદિષ્ટ ભોજન તેમને માટે બનાવી આપીશ.

  6. તે તું તારા પિતા આગળ લઈ જજે, કે જેથી તે ખાઈને તેમના મરણ અગાઉ તને આશીર્વાદ આપે.”

  7. ¶ યાકૂબે તેની માતા રિબકાને કહ્યું, “મારો ભાઈ એસાવ રુંવાટીવાળો માણસ છે અને હું સુંવાળો છું.

  8. કદાચ મારો પિતા મને સ્પર્શ કરે અને હું પકડાઈને તેમને છેતરનાર જેવો માલૂમ પડું તો મારા પર આશીર્વાદને બદલે શાપ નહિ આવી પડે?

  9. ¶ તેની માતાએ તેને કહ્યું, “મારા દીકરા, તે શાપ મારા પર આવો. માત્ર મારું કહેવું માન અને જઈને લવારાં લઈ આવ.”

  10. તેથી યાકૂબ ગયો અને લવારાં લઈને તેની માતાની પાસે આવ્યો; તેની માતાએ તેના પિતાને ભાવતું હતું તેવું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું.

  11. ¶ રિબકાએ તેના જયેષ્ઠ દીકરા એસાવનાં સારાં વસ્ત્ર જે તેની પાસે ઘરમાં હતાં તે લઈને તેના નાના દીકરા યાકૂબને પહેરાવ્યાં.

  12. તેણે તેના બન્ને હાથ પર તથા તેના ગળાના સુંવાળા ભાગ પર લવારાનાં ચર્મ વીંટાળી દીધાં.

  13. વળી તેણે તૈયાર કરેલું સ્વાદિષ્ટ ભોજન રોટલી તથા શાક તેના દીકરા યાકૂબના હાથમાં આપ્યાં.

  14. ¶ યાકૂબે તેના પિતા પાસે જઈને કહ્યું, “મારા પિતા.” તેણે કહ્યું, “મારા દીકરા, હું આ રહ્યો, તું કોણ છે?”

  15. યાકૂબે તેના પિતાને કહ્યું, “હું એસાવ તમારો જયેષ્ઠ દીકરો છું; તમારું કહ્યા પ્રમાણે મેં કર્યું છે. હવે, બેઠા થઈને મારો શિકાર ખાઓ અને મને આશીર્વાદ આપો.”

  16. ¶ ઇસહાકે તેના દીકરાને કહ્યું, “મારા દીકરા, તને આટલો જલ્દી શિકાર કેવી રીતે મળ્યો?” તેણે કહ્યું, “કેમ કે ઈશ્વર તારા પ્રભુ, તેને મારી પાસે લાવ્યા.”

  17. ઇસહાકે યાકૂબને કહ્યું, “મારા દીકરા, મારી નજીક આવ જેથી હું તને સ્પર્શ કરું અને જાણું કે તું જ મારો સાચો દીકરો એસાવ છે કે નહિ?

  18. ¶ યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો; ઇસહાકે તેને સ્પર્શીને કહ્યું, “આ અવાજ તો યાકૂબનો અવાજ છે પણ હાથ તો એસાવના છે.”

  19. તેના હાથ તેના ભાઈ એસાવના જેવા રુંવાટીવાળા હતા માટે ઇસહાક તેને ઓળખી શક્યો નહિ, તેથી તેણે તેને આશીર્વાદ આપવાનું નક્કી કર્યું.

  20. ¶ તેણે કહ્યું, “શું તું નિશ્ચે મારો દીકરો એસાવ જ છે?” અને તેણે કહ્યું, “હા, હું એ જ છું.”

  21. ઇસહાકે કહ્યું, “એ ભોજન મારી પાસે લાવ એટલે હું તારો શિકાર ખાઉં અને તને આશીર્વાદ આપું.” યાકૂબ તેની પાસે ભોજન લાવ્યો. ઇસહાકે ખાધું અને યાકૂબ તેના માટે જે દ્રાક્ષાસવ લાવ્યો હતો તે પણ તેણે પીધો.

  22. ¶ પછી તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “મારા દીકરા, હવે પાસે આવ અને મને ચુંબન કર.

  23. યાકૂબે તેની પાસે આવીને તેને ચુંબન કર્યું. તેણે તેનાં વસ્ત્રોની સુગંધ લીધી અને તેને આશીર્વાદ આપીને કહ્યું, “જો, ઈશ્વરથી આશીર્વાદ પામેલા ખેતરની સુગંધ જેવી મારા દીકરાની સુગંધ છે.

  24. માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ. પૃથ્વીની રસાળ જગ્યા, પુષ્કળ ધાન્ય તથા નવો દ્રાક્ષારસ આપો.

  25. લોકો તારી સેવા કરે અને દેશજાતિઓ તારી આગળ નમે. તું તારા ભાઈઓનો માલિક થા અને તારી માતાના દીકરા તારી આગળ નમો. જે દરેક તને શાપ આપે, તે શાપિત થાય. જે તને આશીર્વાદ આપે, તે આશીર્વાદ પામે.”