Ascension વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ ઈશ્વર વંટોળિયા દ્વારા એલિયાને આકાશમાં લઈ લેવાના હતા ત્યારે એમ થયું કે, એલિયા એલિશાને લઈને ગિલ્ગાલથી ચાલી નીકળ્યો.
એલિયાએ એલિશાને કહ્યું, “તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને બેથેલમાં મોકલે છે.” એલિશાએ કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” તેથી તેઓ બેથેલમાં ગયા.
¶ બેથેલમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, “શું તું જાણે છે કે, ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે?” એલિશાએ કહ્યું, “હા, હું તે જાણું છું, પણ તમે તે વિષે કશી વાત કરશો નહિ.”
એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને યરીખો મોકલે છે.” એલિશાએ ફરીથી કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” માટે તેઓ યરીખો ગયા.
¶ પછી યરીખોમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, “શું તું જાણે છે કે, ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે?” એલિશાએ કહ્યું, “હા, હું તે જાણું છું, પણ તમે તે વિષે કશી વાત કરશો નહિ.”
અને એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે, ઈશ્વર મને યર્દન મોકલે છે.” એલિશાએ હહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” પછી તેઓ બંન્ને આગળ ચાલ્યા.
¶ પ્રબોધકોના પચાસ દીકરાઓ તેઓની સામે દૂર ઊભા રહ્યા અને તેઓ બન્ને યર્દન નદીને કિનારે ઊભા રહ્યા.
એલિયાએ પોતાનો ઝભ્ભો લઈને તેને વીંટાળીને તેને પાણી પર માર્યો અને નદીના બે ભાગ થઈ ગયા, તેથી તેઓ બન્ને કોરી જમીન ચાલીને પેલે પાર ગયા.
¶ તેઓ નદી પાર ઊતર્યા પછી એમ થયું કે, એલિયાએ એલિશાને કહ્યું, “મને તારી પાસેથી લઈ લેવામાં આવે તે અગાઉ તું માગ કે હું તારે માટે શું કરું?” એલિશાએ કહ્યું, “કૃપા કરી તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.”
એલિયાએ કહ્યું, “તેં જે માગ્યું છે તે ભારે છે. તોપણ, જો તું મને તારી પાસેથી લઈ લેવાતો જોશે, તો તારે માટે એ શકય થશે, પણ જો નહિ જુએ, તો એવું નહિ થાય.”
¶ તેઓ વાતો કરતા કરતા આગળ ચાલ્યા જતા હતા એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ અને અગ્નિમય ઘોડા દેખાયા. એ બધાએ બન્ને માણસોને એકબીજાથી જુદા પાડી દીધા. એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો.
એલિશાએ તે જોયું, તેણે બૂમ પાડી, “ઓ મારા બાપ રે, ઓ મારા બાપ રે! ઇઝરાયલના રથો અને તેમના ઘોડેસવારો!” પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડાં કરી નાખ્યા.
¶ પછી એલિશાએ એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો હતો તે તેણે ઉપાડી લીધો અને પાછો તે યર્દન કિનારે જઈને ઊભો રહ્યો.
એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર મારીને કહ્યું, “એલિયાના ઈશ્વર યહોવાહ કયાં છે?” જયારે તેણે પાણી પર માર્યું ત્યારે તે પાણી બે ભાગમાં વહેંચાય ગયાં અને એલિશા નદીની પાર ગયો.
¶ જયારે યરીખોના પ્રબોધકોના દીકરાઓ તેની સામે ઊભેલા હતા તેઓએ તેને જોયો અને કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે!” માટે તેઓ તેને મળવા આવ્યા અને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
તેઓએ એલિશાને કહ્યું, “હવે જો, તારા દાસોની સાથે પચાસ મજબૂત માણસો છે. અમને જવા દે, કે અમે જઈને તારા ગુરુની શોધ કરીને જોઈએ, કદાચ ઈશ્વરના આત્માએ એલિયાને ઉઠાવીને કોઈ પર્વત પર કે ખીણમાં રાખ્યો હોય.” એલિશાએ કહ્યું, “ના, તેઓને મોકલશો નહિ.”
¶ પણ જયાં સુધી એલિશા શરમાઈ ગયો ત્યાં સુધી તેઓએ તેને આગ્રહ કર્યો, તેણે કહ્યું, તેઓને મોકલો.” પછી તેઓએ પચાસ માણસો મોકલ્યા, તેઓએ ત્રણ દિવસ સુધી શોધ કરી પણ તે મળ્યો નહિ.
તે યરીખોમાં હતો, તે દરમિયાન તેઓ તેની પાસે પાછા આવ્યા. તેણે તેઓને કહ્યું, “શું મેં તમને નહોતું કહ્યું કે, જશો નહિ?”
¶ પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા.
તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા.)
¶ બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો.
એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા.
¶ તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા.
અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
¶ એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધાં.