મુખ્ય સામગ્રી પર જાઓ

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હઝકિયેલ ૭:૯આશરે ઈ.પૂ. ૫૯૪

    કેમ કે મારી આંખ તારા પર દયા કરશે નહિ કે, તને છોડશે નહિ. તું જે પ્રમાણે વર્ત્યા છે તેવી રીતે હું તારી સાથે વર્તીશ; હું તારાં ધિક્કારપાત્ર કૃત્યો તારી નજર સમક્ષ લાવીશ, ત્યારે તું જાણશે કે હું યહોવાહ શિક્ષા કરનાર છું.

  2. હઝકિયેલ ૭:૧૦આશરે ઈ.પૂ. ૫૯૪

    જુઓ, દિવસ આવે છે. તારો નાશ આવે છે, લાકડીને મોર આવ્યો છે, ગર્વના ફણગા ફૂટી નીકળ્યા છે.

  3. હઝકિયેલ ૭:૧૧આશરે ઈ.પૂ. ૫૯૪

    હિંસા વધીને દુષ્ટતાની લાકડી જેવી થઈ છે, તેઓમાંનું, તેઓના સમુદાયમાંનું, તેઓના દ્રવ્યમાંથી કે તેઓના મહત્વનું કંઈ બચશે નહિ!

  4. હઝકિયેલ ૭:૧૨આશરે ઈ.પૂ. ૫૯૪

    સમય આવી રહ્યો છે, દિવસ પાસે આવતો જાય છે, ખરીદનારે હરખાવું નહિ, વેચનારે શોક કરવો નહિ, કેમ કે, મારો કોપ તેના આખા સમુદાય પર છે.

  5. હઝકિયેલ ૭:૧૩આશરે ઈ.પૂ. ૫૯૪

    વેચનાર પોતાના વેચાયેલા સ્થળે પાછો આવશે નહિ, જોકે તેઓ બંને જીવતા હશે તોપણ, કેમ કે, આ સંદર્શન તો આખા સમુદાય વિષે છે. તેઓ પાછા ફરશે નહિ, કોઈ માણસ પોતાના પાપમાં પોતાનું જીવન સાર્થક કરશે નહિ.

  6. હઝકિયેલ ૭:૧૪આશરે ઈ.પૂ. ૫૯૪

    તેઓએ રણશિંગડું વગાડીને સઘળું તૈયાર કર્યું છે, પણ કોઈ યુદ્ધમાં જતું નથી, કેમ કે મારો રોષ આખા સમુદાય પર છે.

  7. હઝકિયેલ ૭:૧૫આશરે ઈ.પૂ. ૫૯૪

    બહાર તલવાર છે, અંદર મરકી તથા દુકાળ છે. જે કોઈ ખેતરમાં હશે તે તલવારથી માર્યો જશે, જેઓ નગરમાં છે તેઓને મરકી તથા દુકાળ ગળી જશે.

  8. હઝકિયેલ ૭:૧૬આશરે ઈ.પૂ. ૫૯૪

    પણ તેઓમાંના અમુક લોકો નાસી જઈને દરેક માણસ પોતાના અન્યાયને કારણે, શોક કરતા તેઓ ખીણમાંના કબૂતરો જેવા પર્વતો પર જશે.

  9. હઝકિયેલ ૭:૧૭આશરે ઈ.પૂ. ૫૯૪

    દરેકના હાથ અશક્ત થઈ જશે અને દરેક ઘૂંટણ પાણીની જેમ ઢીલા થઈ જશે.

  10. હઝકિયેલ ૭:૧૮આશરે ઈ.પૂ. ૫૯૪

    તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે અને ત્રાસ તેમને ઢાંકી દેશે. બધાના ચહેરા પર શરમ હશે અને તેઓ બધાનાં માથાં મૂંડાવેલા હશે.

  11. હઝકિયેલ ૭:૧૯આશરે ઈ.પૂ. ૫૯૪

    તેઓ પોતાનું ચાંદી શેરીઓમાં ફેંકી દેશે અને તેઓનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ જશે. કેમ કે યહોવાહના કોપને દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ. તેઓનાં જીવનો બચશે નહિ. તેઓ પોતાનાં પેટ પણ ભરી શકશે નહિ, કેમ કે તેઓના અન્યાય તેઓને ઠોકરરૂપ થયા છે.

  12. હઝકિયેલ ૭:૨૦આશરે ઈ.પૂ. ૫૯૪

    તેઓનાં સુશોભિત આભૂષણો તેઓનું ગર્વનું કારણ થયાં છે અને તેઓ વડે તેઓએ પોતાની તિરસ્કારરૂપ તથા ધિક્કારપાત્ર કૃત્યો દર્શાવતી મૂર્તિઓની પ્રતિમા બનાવી છે, તેથી મેં તે તેઓનું સોનું અને ચાંદી અશુદ્ધ વસ્તુ જેવી બનાવી છે.

  13. હઝકિયેલ ૭:૨૧આશરે ઈ.પૂ. ૫૯૪

    હું તેને પરદેશીઓના હાથમાં લૂંટ તરીકે અને પૃથ્વી પરના દુષ્ટોને લૂંટ તરીકે આપીશ, તેઓ એને ભ્રષ્ટ કરશે.

  14. હઝકિયેલ ૭:૨૨આશરે ઈ.પૂ. ૫૯૪

    તેઓ મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કરશે ત્યારે હું તેઓ તરફથી મારું મુખ ફેરવી લઈશ; લૂંટારુઓ તેમાં પ્રવેશ કરીને તેને ભ્રષ્ટ કરશે.

  15. હઝકિયેલ ૭:૨૩આશરે ઈ.પૂ. ૫૯૪

    સાંકળો બનાવો, કેમ કે દેશ રક્તના ન્યાયથી, અને નગર હિંસાથી ભરપૂર છે.

  16. હઝકિયેલ ૭:૨૪આશરે ઈ.પૂ. ૫૯૪

    તેથી હું સૌથી દુષ્ટ પ્રજાને લાવીશ, તેઓ આ લોકોનાં ઘર પર કબજો કરશે. હું બળવાનોના ઘમંડનો અંત લાવીશ, તેઓનાં પવિત્રસ્થાનો ભ્રષ્ટ કરવામાં આવશે!

  17. હઝકિયેલ ૭:૨૫આશરે ઈ.પૂ. ૫૯૪

    ભય આવશે, તેઓ શાંતિ શોધશે પણ તે મળશે નહિ!

  18. હઝકિયેલ ૭:૨૬આશરે ઈ.પૂ. ૫૯૪

    આપત્તિ પર આપત્તિ આવશે, અફવા પર અફવા ચાલશે, તેઓ પ્રબોધકો પાસેથી સંદર્શન શોધશે, પણ યાજકોમાંથી નિયમશાસ્ત્રનો અને વડીલોમાંથી બુધ્ધિનો નાશ થશે.

  19. હઝકિયેલ ૭:૨૭આશરે ઈ.પૂ. ૫૯૪

    રાજા શોક કરશે અને રાજકુમારો પાયમાલીથી ઘેરાઈ જશે, દેશના લોકોના હાથ ભયથી કાંપી ઊઠશે. તેઓનાં આચરણ પ્રમાણે હું તેઓને સજા કરીશ! હું તેઓના ગુણદોષ મુજબ તેઓનો ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”

  20. હઝકિયેલ ૮:૧આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ છઠ્ઠા વર્ષના છઠ્ઠા મહિનાના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો. યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા ત્યારે ત્યાં પ્રભુ યહોવાહના હાથે મને સ્પર્શ કર્યો.

  21. હઝકિયેલ ૮:૨આશરે ઈ.પૂ. ૫૯૪

    મેં જોયું, તો જુઓ, મનુષ્ય જેવી પ્રતિમા દેખાઈ, તેની કમરથી નીચેનો ભાગ અગ્નિ જેવો, કમરથી ઉપરનો ભાગ પ્રકાશમય તથા તૃણમણિના તેજ જેવો હતો.

  22. હઝકિયેલ ૮:૩આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ તેણે હાથના જેવો આકાર લંબાવીને મારા માથાના વાળ પકડ્યા પછી આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ઈશ્વરના સંદર્શનમાં તે મને યરુશાલેમમાં પ્રભુઘરના ઉત્તર તરફના અંદરના દરવાજા પાસે લાવ્યો, જ્યાં ઈશ્વરને અદેખાઈ થાય એવી મૂર્તિનું સ્થાન હતું.

  23. હઝકિયેલ ૮:૪આશરે ઈ.પૂ. ૫૯૪

    ત્યાં ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ દેખાયું, તેનો દેખાવ મેદાનમાં સંદર્શન જોયું હતું તેના જેવો હતો.

  24. હઝકિયેલ ૮:૫આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ ત્યારે તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી નજર કરીને ઉત્તર તરફ જો.” તેથી મેં મારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જોયું, વેદીના ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ રોષજનક મૂર્તિ દેખાઈ.

  25. હઝકિયેલ ૮:૬આશરે ઈ.પૂ. ૫૯૪

    તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તે લોકો શું કરે છે તે તેં જોયું? હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તેથી ઇઝરાયલીઓ જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું જુએ છે. પણ તું ફરશે અને આનાથી પણ વધુ અધમ કૃત્યો જોશે.