Skip to content
નિર્ગમન ૩:૧-૧૫

નિર્ગમન ૩:૧-૧૫

૧
હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને ચરાવવા અરણ્યની પશ્ચિમ દિશામાં ઈશ્વરના પર્વત હોરેબ પર ગયો.
૨
ત્યાં યહોવાહના દૂતે ઝાડવાં વચ્ચે આગના ભડકામાં તેને દર્શન દીધું. તેણે જોયું ઝાડવું સળગતું હતું. પણ બળીને ભસ્મ થતું ન હતું.
૩
તેથી મૂસાએ વિચાર્યું કે, “હું નજીક જઈને આ મહાન દ્રશ્ય જોઉં. આ ઝાડવું બળે છે પણ ભસ્મ કેમ થતું નથી?”
૪
યહોવાહે જોયું કે મૂસા અહીં ઝાડવું જોવા આવી રહ્યો છે, તેથી તેમણે ઝાડવામાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!” અને મૂસાએ કહ્યું, “હા, હું અહીં જ છું.”
૫
ત્યારે યહોવાહે કહ્યું, “નજીક આવીશ નહિ, તારાં પગરખાં ઉતાર. કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.”
૬
“હું તારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો ઈશ્વર છું.” તે સાંભળીને મૂસાએ પોતાનું મુખ ઢાંકી દીઘું. કેમ કે ઈશ્વર તરફ જોતાં તેને બીક લાગી.
૭
પછી યહોવાહે કહ્યું, “મેં મિસરમાં મારા લોકોને દુઃખી હાલતમાં જોયા છે. તેઓના મુકાદમો તેમને પીડા આપે છે તેથી તેઓનો વિલાપ મેં સાંભળ્યો છે. તેઓની મુશ્કેલીઓ મેં જાણી છે.
૮
હું તેઓને મિસરીઓના સકંજામાંથી મુક્ત કરાવવા અને તેઓને એ દેશમાંથી બહાર લાવીને એક સારા, વિશાળ અને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં લઈ જવા માટે આવ્યો છું. ત્યાં હાલમાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ રહે છે.
૯
મેં ઇઝરાયલીઓનું રુદન સાંભળ્યું છે અને મિસરીઓ તેઓના ઉપર જે અત્યાચાર ગુજારે છે તે મેં નિહાળ્યા છે.
૧૦
માટે હવે, મારા ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લઈ આવવા હું તને ફારુન પાસે મોકલું છું.”
૧૧
પરંતુ મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું તે કોણ કે ફારુનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર કાઢી લાવું?”
૧૨
પણ ઈશ્વરે કહ્યું, “હું અવશ્ય તારી સાથે જ હોઈશ. અને મેં જ તને મોકલ્યો છે, એની નિશાની તારા માટે એ થશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર લઈ આવશે પછી તમે સૌ આ પર્વત પર મારી ભક્તિ કરશો.”
૧૩
મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું ઇઝરાયલ લોકો પાસે જાઉં અને તેઓને કહું કે, ‘તમારા પિતૃઓના પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે.’ અને તેઓ મને પૂછે કે, ‘તેમનું નામ શું છે?’ તો હું તેઓને શો જવાબ આપું?”
૧૪
ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, “હું જે છું તે છું.” તું ઇઝરાયલીઓને કહેજે કે ‘હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.’”
૧૫
વળી ઈશ્વરે મૂસાને એવું પણ કહ્યું, “તું ઇઝરાયલીઓને કહેજે કે, ‘તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે એટલે કે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદાને માટે એ જ છે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ યાદ રાખશે.’”

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options