Skip to content
દારિયેલ ૪:૨૦-૩૭

દારિયેલ ૪:૨૦-૩૭

૨૦
જે વૃક્ષ તમે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી, જે પૃથ્વીના છેડે દેખાતું નહતું.
૨૧
જેનાં પાંદડાં સુંદર હતાં, જેને ઘણાં ફળ લાગ્યાં હતાં, જેનાથી બધાને ખોરાક પૂરો પડતો હતો, જેની નીચે ખેતરનાં પશુઓ આશ્રય પામતાં હતાં, જેની ડાળીઓમાં આકાશના પક્ષીઓ વાસ કરતાં હતાં,
૨૨
હે રાજા, તે વૃક્ષ તમે છો, તમે વધીને ઘણા બળવાન થયા છો. તમારી મહાનતા વધીને આકાશ સુધી પહોંચી છે, તમારી સત્તા પૃથ્વીના છેડા સુધી પહોંચી છે.
૨૩
હે રાજા, તમે પવિત્ર દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો અને કહેતો હતો કે, ‘આ વૃક્ષને કાપીને તેનો નાશ કરો, પણ તેના મૂળની જડને લોખંડ તથા પિત્તળથી બાંધીને ખેતરના કુમળા ઘાસમાં રહેવા દો. સાત વર્ષ પસાર થાય ત્યાં સુધી તેને આકાશમાંથી પડતા ઝાકળથી પલળવા દો. તેને ખેતરના જંગલી પશુઓ સાથે રહેવા દો.’”
૨૪
હે રાજા, તેનો અર્થ આ છે: મારા સ્વામી રાજાની પાસે જે આવ્યું છે તે તો પરાત્પર ઈશ્વરનો હુકમ છે.
૨૫
તમને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે, તમે ખેતરનાં જંગલી પશુઓ સાથે રહેશો. તમને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે, આકાશમાંથી વરસતા ઝાકળથી તમે પલળશો. પરાત્પર ઈશ્વર મનુષ્યોના સર્વ રાજ્યો ઉપર અધિકાર ચલાવે છે અને જેને ચાહે તેને તે સોંપે છે તે જાણ થતાં સુધી સાત વર્ષ પસાર થશે.
૨૬
જેમ વૃક્ષના મૂળની જડને જમીનમાં રહેવા દેવાની આજ્ઞા કરી તેમ, તે પરથી આકાશનો અધિકાર ચાલે છે તે આપ જાણશો પછી તમને તમારું રાજ્ય પાછું મળશે.
૨૭
માટે, રાજા, મારી સલાહ તમારી આગળ માન્ય થાઓ. પાપ છોડો અને જે સત્ય છે તે કરો. ગરીબો પર દયા દર્શાવીને તમારા અન્યાયથી પાછા ફરો, જેથી તમારી જાહોજલાલી લાંબા કાળ સુધી ટકે.”
૨૮
આ બધું નબૂખાદનેસ્સાર રાજા સાથે બન્યું.
૨૯
બાર મહિના પછી તે બાબિલના રાજમહેલની અગાશીમાં ફરતો હતો.
૩૦
રાજા બોલ્યો કે, “આ મહાન બાબિલ જે મેં મારા રાજ્યગૃહને માટે તથા મારા ગૌરવ તથા મહિમા વધારવા માટે બાંધ્યું નથી?”
૩૧
હજી તો રાજા આ કહેતો હતો, ત્યાં તો આકાશમાંથી અવાજ આવ્યો “હે નબૂખાદનેસ્સાર રાજા, તારા માટે આ હુકમ છે કે આ રાજ્ય હવે તારી પાસે રહ્યું નથી.
૩૨
તને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે, તારે ખેતરનાં પશુઓ સાથે રહેવું પડશે. તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે. સાત વર્ષ પસાર થતાં સુધી તું સમજશે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય ઉપર રાજ કરે છે અને જેને ચાહે તેને તે આપે છે.”
૩૩
તે જ સમયે આ વચન નબૂખાદનેસ્સારના બાબતમાં ફળીભૂત થયું. તેને લોકોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની જેમ ઘાસ ખાધું, તેનું શરીર આકાશના ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરુડના પીંછા જેવા લાંબા થઈ ગયા, તેના નખ પક્ષીઓના પંજા જેવા થઈ ગયા.
૩૪
તે દિવસોને અંતે મેં નબૂખાદનેસ્સારે, મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, મારી સમજશકિત મને પાછી આપવામાં આવી. મેં પરાત્પર ઈશ્વરની સ્તુતિ કરી. જે સદાકાળ જીવે છે તેમની સ્તુતિ કરી અને તેમને માન આપ્યું. કેમ કે તેમનું રાજ અનંતકાળનું છે, તેમનું રાજ્ય પેઢી દરપેઢીનું છે.
૩૫
પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કશી વિસાતમાં નથી. આકાશના સૈન્યમાં તથા પૃથ્વી પરના રહેવાસીઓમાં, તે પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે. તેમને કોઈ રોકી શકતું નથી કે કોઈ પડકાર આપી શકતું નથી. તેમને કોઈ કશું કહી શકતું નથી કે, ‘તમે આ શા માટે કર્યું?”
૩૬
તેજ સમયે મારી બુદ્ધિ મારી પાસે પાછી આવી, મારા રાજ્યના પ્રતાપને કારણે મારું ગૌરવ તથા મારો વૈભવ મારી પાસે પાછાં આવ્યાં. મારા સલાહકારો અને મારા અમીર ઉમરાવોએ મારા પક્ષમાં પોકાર કર્યો. મને મારા સિંહાસન પર પાછો બેસાડવામાં આવ્યો અને મને ઘણું માહાત્મ્ય મળ્યું.
૩૭
હવે હું, નબૂખાદનેસ્સાર, આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમની પ્રશંસા કરું છું, તેમનું સન્માન કરું છું, કેમ કે, તેમના બધાં કાર્યો સાચાં છે, તેમના માર્ગો ન્યાયી છે. જેઓ પોતાના ઘમંડમાં ચાલે છે તેઓને તે નીચા પાડે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options