Skip to content

Miletus વિશે બાઇબલની કલમો

24 કલમો · 3 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઓસ પાસે પહોંચ્યા, અને બીજે દિવસે સામોસ પહોંચ્યા, પછીના દિવસે, (ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી) અમે મિલેતસમાં આવ્યા.

  2. ¶ પછી તેણે મિલેતસથી એફેસસમાં (સંદેશો) મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.

  3. તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું.

  4. મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી.

  5. જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો;

  6. ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી.

  7. હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી;

  8. માત્ર એટલું જ હું (જાણું છું) કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને ખાસ જણાવે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે.

  9. પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું.

  10. હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ (માંનો કોઈ પણ) મારું મુખ ફરી જોશે નહિ.

  11. તે સારુ આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.

  12. કેમ કે ઈશ્વરની પૂરી ઇચ્છા તમને જણાવવાંને મેં ઢીલ કરી નથી.

  13. તમે પોતા સંબંધી તથા જે ટોળાં ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો, એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના લોહીથી ખરીદ્યો છે, તેનું તમે પાલન કરો.

  14. હું જાણું છું કે, મારા ગયા પછી ટોળાં પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે;

  15. તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે.

  16. માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને ઉપદેશ આપવાનું હું ચૂક્યો નથી.

  17. હવે હું તમને ઈશ્વરને તથા ઈશ્વરની કૃપાની વાત જે તમને સંસ્થાપન કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે, તેને સોંપું છું.

  18. મેં કોઈના રૂપાનો સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી.

  19. તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે.

  20. મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, “પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”

  21. એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી.

  22. તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું.

  23. તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.

  24. એરાસ્તસ કરિંથ શહેરમાં રહ્યો. વળી ત્રોફિમસને, મેં મિલેતસ શહેરમાં છોડી દીધો કેમ કે તે બીમાર હતો.