Skip to content
માથ્થી ૧૨:૬-૩૦

માથ્થી ૧૨:૬-૩૦

૬
પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.
૭
વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત.
૮
કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”
૯
ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.
૧૦
ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”
૧૧
ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢે?
૧૨
તો માણસ ઘેટાં કરતાં કેટલું મૂલ્યવાન છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”
૧૩
ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, “તારો હાથ લાંબો કર.” તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો.
૧૪
ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.
૧૫
પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા, અને તેમણે બધાને સાજાં કર્યા.
૧૬
તેઓને કડક આજ્ઞા આપી કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ’,
૧૭
એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
૧૮
“જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે. તેના પર હું મારો આત્મા મૂકીશ, અને તે બધી જ જાતિઓનો ન્યાયચુકાદો પ્રગટ કરશે.
૧૯
તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે.
૨૦
જ્યાં સુધી ન્યાયચુકાદાને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતું શણ પણ તે નહિ હોલવશે.
૨૧
બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે.”
૨૨
ત્યારે દુષ્ટાત્મા વળગેલાં કોઈ અંધ અને મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો.
૨૩
સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “શું આ દાઉદનો દીકરો હોઈ શકે?”
૨૪
પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, “દુષ્ટાત્માના સરદાર બાલઝબૂલની મદદથી જ તે દુષ્ટાત્માઓને કાઢે છે.”
૨૫
ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, “દરેક રાજ્ય જે ભાગલા પાડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પાડે, તે સ્થિર નહિ રહેશે.
૨૬
જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે?
૨૭
જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.
૨૮
પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો.
૨૯
વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લુટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.
૩૦
જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options