માથ્થી ૧૦:૩-૨૭
૩
ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી;
૪
સિમોન જે અતિ ઝનૂની માણસ હતો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર હતો.
૫
¶ ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, “તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો.
૬
પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ.
૭
તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’”
૮
¶ માંદાઓને સાજાં કરો, મૂએલાંઓને સજીવન કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, અને દુષ્ટાત્માઓને કાઢો. તમે મફત પામ્યા છો, મફત આપો.
૯
સોનું, ચાંદી કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો;
૧૦
મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.
૧૧
¶ જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો.
૧૨
ઘરમાં જઈને તેઓને સલામ કહો.
૧૩
જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો તે ઘર યોગ્ય ન હોય તો તમારી શાંતિ તમારા પર પાછી રહેશે.
૧૪
¶ જો કોઈ તમારો આવકાર નહિ કરે તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો.
૧૫
હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.
૧૬
¶ જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ.
૧૭
તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે.
૧૮
તેઓને તથા બિનયહૂદીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમને અધિકારીઓની તથા રાજાઓની આગળ લઈ જવાશે.
૧૯
¶ પણ જયારે તેઓ તમને સોંપશે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ; કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે.
૨૦
કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ પિતાનો આત્મા તમારા દ્વારા બોલે છે.
૨૧
¶ ભાઈ ભાઈને તથા પિતા બાળકને મારી નંખાવવાને સોંપી દેશે અને બાળકો માતાપિતાની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.
૨૨
મારા નામને કારણે સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.
૨૩
જયારે તેઓ તમને એક નગરમાં સતાવણી કરે ત્યારે તમે બીજામાં ભાગી જાઓ, કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલનાં સઘળાં નગરોમાં તમે ફરી નહિ વળશો.
૨૪
¶ શિષ્ય ગુરુ કરતાં મોટો નથી અને નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.
૨૫
શિષ્ય પોતાના ગુરુ જેવો અને નોકર પોતાના શેઠ જેવો હોય તો તે જ ઘણું છે. જો ઘરના માલિકને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે!
૨૬
¶ તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી.
૨૭
હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, તમે કાને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો.
Settings