Skip to content
યોહાન ૧૭:૧૧-૨૬

યોહાન ૧૭:૧૧-૨૬

૧૧
હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો.
૧૨
હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ.
૧૩
હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું.
૧૪
તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.
૧૫
તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો.
૧૬
જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી.
૧૭
સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.
૧૮
જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે.
૧૯
તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું.
૨૦
વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ પ્રાર્થના કરું છું કે,
૨૧
તેઓ બધા એક થાય. ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.
૨૨
જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય;
૨૩
એટલે હું તેઓમાં અને તમે મારામાં થાઓ જેથી તેઓ સંપૂર્ણ રીતે એક કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે.
૨૪
હે પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.
૨૫
ઓ ન્યાયી પિતા, માનવજગતે તો તમને ઓળખ્યા નથી; પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે;
૨૬
મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options