1 શમુએલ ૧૭:૩૨-૫૧
૩૨
દાઉદે શાઉલને કહ્યું, “કોઈ માણસનું હૃદય પલિસ્તીને લીધે ઉદાસ ન થાઓ; તારો સેવક જઈને તે પલિસ્તી સાથે લડશે.”
૩૩
શાઉલે દાઉદને કહ્યું, “તું પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને શક્તિમાન જણાતો નથી; કેમ કે તું તો કેવળ જુવાન છે પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો છે.”
૩૪
¶ દાઉદે શાઉલને કહ્યું, “તારો સેવક પોતાના પિતાના ઘેટાં સાચવતો હતો. જયારે કોઈ સિંહ તથા રીંછ આવીને અને ટોળાંમાંના એક ઘેટાં પર ત્રાટકે,
૩૫
ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને તેના મુખમાંથી ઘેટાંને છોડાવતો. અને જયારે રીંછ કે સિંહ મારા પર હુમલો કરતો, ત્યારે હું તેઓની દાઢી પકડીને, તેઓના પર સામો ધસીને તેઓને મારી નાંખતો હતો.
૩૬
¶ તારા સેવકે સિંહ તથા રીંછ બન્નેને મારી નાખ્યા છે. આ બેસુન્નત પલિસ્તીના હાલ પણ એમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યનો ધિક્કાર કર્યો છે.”
૩૭
¶ દાઉદે કહ્યું, “જે ઈશ્વરે મને સિંહના પંજામાંથી અને રીંછના પંજામાંથી બચાવ્યો હતો. તે આ પલિસ્તીના હાથમાંથી મને બચાવશે.” પછી શાઉલે દાઉદને કહ્યું, “જા, ઈશ્વર તારી સાથે રહો.”
૩૮
શાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું. તેણે તેના માથા પર પિત્તળનો ટોપ મૂક્યો અને તેણે તેને કવચ પહેરાવ્યું.
૩૯
¶ દાઉદે પોતાની તલવાર બખતર ઉપર બાંધી. પણ તેનાથી ચાલી શકાયું નહિ, કેમ કે તેને તે પહેરીને ચાલવાનો મહાવરો ન હતો. પછી દાઉદે શાઉલને કહ્યું, “હું આ પહેરીને લડાઈ માટે બહાર જઈ શકતો નથી, કેમ કે મેં બખતર પહેરીને લડાઈનો અનુભવ કર્યો નથી.” તેથી દાઉદે પોતાના શરીર ઉપરથી તે ઉતારી મૂક્યું.”
૪૦
તેણે પોતાની લાકડી પોતાના હાથમાં લીધી અને નાળાંમાંથી પાંચ સુંવાળા પથ્થરો પોતાને લીધા; તેણે પોતાની પાસે જે થેલી હતી તેમાં મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી તે પલિસ્તી તરફ તે ગયો.
૪૧
¶ પલિસ્તી પોતાની ઢાલ ઊંચકનારને લઈને દાઉદની સામે આવ્યો.
૪૨
જયારે તે પલિસ્તીએ આજુ બાજુ જોઈને દાઉદને જોયો, ત્યારે તેણે તેને તુચ્છકાર્યો. કેમ કે તે ફક્ત જુવાન, રક્તવર્ણો તથા દેખાવમાં સુંદર હતો.
૪૩
પછી તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “શું હું કૂતરો છું કે, તું લાકડીઓ લઈને મારી સામે આવ્યો છે?” અને તે પલિસ્તીએ પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો.
૪૪
¶ તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “મારી પાસે આવ અને હું તારું માંસ આકાશના પક્ષીઓને તથા વનચર પશુઓને આપું.”
૪૫
દાઉદે પલિસ્તીને જવાબ આપ્યો, “તું મારી પાસે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે. પણ હું પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર, ઇઝરાયલના સૈન્યોના ઈશ્વર જેમનો તુચ્છકાર તેં કર્યો છે તેમના નામે તારી પાસે આવું છું.
૪૬
¶ આજે ઈશ્વર મને તારા પર વિજય અપાવશે, હું તને મારી નાખીશ અને તારું માથું તારા શરીર પરથી જુદું કરીશ. આજે હું પલિસ્તીઓના સૈન્યોના મૃતદેહોને આકાશના પક્ષીઓ તથા પૃથ્વીનાં જંગલી જાનવરોને આપીશ, કે જેથી આખી પૃથ્વી જાણે કે ઇઝરાયલમાં જ ઈશ્વર છે,
૪૭
અને આ સર્વ સમુદાય જાણે કે, ઈશ્વરે તલવાર અને બરછીથી વિજય અપાવ્યો નથી. કેમ કે યુદ્ધ તો ઈશ્વર લડે છે અને તે તમને અમારા હાથમાં પકડાવી દેશે.”
૪૮
¶ જયારે તે પલિસ્તી ઊઠયો અને દાઉદ સામે લડવા સારુ પાસે આવવા લાગ્યો, ત્યારે દાઉદ ઉતાવળથી તે પલિસ્તીની સામે મળવાને સૈન્યની તરફ દોડીને ગયો.
૪૯
દાઉદે પોતાનો હાથ થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર લીધો, તેને ગોફણ દ્વારા વીંઝીને તે પલિસ્તીના કપાળમાં માર્યો. પથ્થર પલિસ્તીના કપાળમાં પેસી ગયો અને તે જમીન પર ઊંધા મોઢે પડયો.
૫૦
¶ દાઉદ ગોફણ તથા પથ્થરથી તે પલિસ્તી પર જીત પામ્યો. તેણે પલિસ્તીને મારી નાખીને તેનો સંહાર કર્યો. પણ તેના હાથમાં તલવાર ન હતી.
૫૧
પછી દાઉદ દોડીને તે પલિસ્તી ઉપર ઊભો રહ્યો અને તેણે તેની તલવાર તેના મ્યાનમાંથી કાઢીને, તેના વડે તેને મારી નાખ્યો અને તેનું માથું તેના ધડથી કાપી નાખ્યું. જયારે પલિસ્તીઓએ જોયું કે તેઓનો બળવાન યોદ્ધો મરણ પામ્યો છે, ત્યારે તેઓ નાસી ગયા.
Settings