Skip to content

Babylon વિશે બાઇબલની કલમો

186 કલમો · 73 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ યહોવાહ તને તારા કલેશથી તથા તારા સંતાપથી અને તમે જે સખત વૈતરું કર્યું છે તેમાંથી વિસામો આપશે.

  2. તે દિવસે તું બાબિલના રાજાને મહેણાં મારીને આ ગીત ગાશે, “જુલમીનો કેવો અંત આવ્યો છે, તેના ઉગ્ર ક્રોધનો કેવો અંત થયો છે!

  3. યહોવાહે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી તોડી છે,

  4. જે સોટી કોપમાં લોકોને નિરંતર મારતી અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાહે ભાગી નાખી છે.

  5. આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે; તેઓ ગીતો ગાઈને હર્ષનાદ કરવા માંડે છે.

  6. હા, લબાનોનનાં દેવદાર અને એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે; તેઓ કહે છે, ‘તું પડ્યો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.’

  7. જ્યારે તું ઊંડાણમાં જાય ત્યારે શેઓલ તને ત્યાં મળવાને આતુર થઈ રહ્યું છે. તે તારે લીધે પૃથ્વીના સર્વ રાજાઓને તથા મૂએલાઓના આત્માઓને જાગૃત કરે છે, વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસન પરથી ઉતાર્યા છે.

  8. તેઓ સર્વ બોલી ઊઠશે અને તને કહેશે, ‘તું પણ અમારા જેવો નબળો થયો છે, તું અમારા સરખો થયો છે.

  9. તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.’

  10. હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓ પર જય પામનાર, તને કેમ કાપી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે!

  11. તેં તારા હૃદયમાં કહ્યું હતું, ‘હું આકાશમાં ઊંચે ચઢીશ અને ઈશ્વરના તારાઓ કરતાં પણ મારું સિંહાસન ઊંચું રાખીશ અને હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ;

  12. હું સર્વથી ઊંચાં વાદળો પર ચઢી જઈશ; અને હું પોતાને પરાત્પર ઈશ્વર સમાન કરીશ.’

  13. તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે!

  14. જ્યારે તેઓ તને જોશે તને નિહાળશે; તેઓ તારા વિશે વિચાર કરશે. તેઓ કહેશે કે ‘શું આ એ જ માણસ છે, જેણે પૃથ્વીને થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં,

  15. જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું, જેણે તેમનાં નગરો પાયમાલ કરી નાખ્યાં હતાં, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘરે જવા ન દીધા, તે શું આ છે?’

  16. સર્વ દેશોના રાજાઓ, તેઓ સર્વ, મહિમામાં, પોતપોતાની કબરમાં સૂતેલા છે.

  17. પરંતુ જેઓને તલવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, જેઓ ખાડાના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વેષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે.

  18. તું ખૂંદાયેલા મૃતદેહ જેવો છે, તને તેઓની સાથે દાટવામાં આવશે નહિ, કારણ કે તેં જ તારા દેશનો નાશ કર્યો છે. તેં જ તારા પોતાના લોકની કતલ કરી છે દુર્જનોનાં સંતાનના નામ ફરી કોઈ લેશે નહિ.”

  19. તેઓના પિતૃઓના અન્યાયને લીધે તેઓના દીકરાઓને સંહાર માટે તૈયાર કરો, રખેને તેઓ ઊઠે અને પૃથ્વીનું વતન પામે, તથા જગતને નગરોથી ભરી દે.

  20. સૈન્યોના યહોવાહ કહે છે, “હું તેઓની સામે ઊઠીશ.” “બાબિલમાંથી તેઓનું નામ તથા શેષ સંતાનોને કાપી નાખીશ,” યહોવાહનું વચન એવું છે.

  21. ¶ સમુદ્ર પાસેના અરણ્ય વિષે ઈશ્વરવાણી. નેગેબ તરફથી વંટોળિયાના સુસવાટાની જેમ આપત્તિ અરણ્યમાંથી, બિહામણા દેશમાંથી, આવે છે.

  22. મને એક દુઃખદાયી દર્શન દેખાડવામાં આવ્યું: ઠગ ઠગે છે, અને વિનાશ કરનાર વિનાશ કરે છે. હે એલામ, ચઢાઈ કર; હે માદાય ઘેરો નાખ; મેં તેના સર્વ નિસાસાને બંધ કર્યો છે.

  23. તેથી મારી કમર પીડાથી ભરેલી છે; પ્રસૂતાની વેદના જેવી પીડા મારા પર આવી પડી છે; મેં જે સાંભળ્યું છે તેનાથી હું નીચો વળી ગયો છું; મેં જે જોયું છે તેનાથી હું વ્યાકુળ છું.

  24. મારું હૃદય વ્યાકુળ થયું છે; ભયથી હું ત્રાસ પામ્યો છું; જે રાત હું ઇચ્છતો હતો તે મારા માટે ધ્રૂજારીમાં ફેરવાઈ ગઈ છે.

  25. તેઓ મેજ તૈયાર કરે છે, જાજમ પાથરે છે અને ખાય છે પીએ છે; ઊઠો, સરદારો, ઢાલોને તેલ ચોપડો.