Skip to content
રોમનોને પત્ર ૧૫:૧૪-૩૨

રોમનોને પત્ર ૧૫:૧૪-૩૨

૧૪
ઓ મારા ભાઈઓ, મને તમારા વિષે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાનસંપન્ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો.
૧૫
તે છતાં બિનયહૂદીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય માટે ઈશ્વરની સુવાર્તાનો યાજક થઈને હું બિનયહૂદીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉં,
૧૬
એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવાં માટે વિશેષ હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે.
૧૭
તેથી ઈશ્વરને અર્થે કરેલાં કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં ગૌરવ કરવાનું પ્રયોજન છે.
૧૮
કેમ કે પવિત્ર આત્માનાં પરાક્રમથી, વાણી અને કાર્ય વડે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મોના પ્રભાવથી બિનયહૂદીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યાં છે, તે સિવાય બીજાં કોઈ કામો વિષે બોલવાની હિંમત હું કરીશ નહિ;
૧૯
એટલે યરુશાલેમથી રવાના થઈને ફરતાં ફરતાં છેક ઇલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે એ વિષે જ હું બોલીશ.
૨૦
એવી રીતે તો સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે, જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવ્યું હતું ત્યાં બોધ કરવો નહિ, રખેને બીજાના પાયા પર હું બાંધું;
૨૧
લખેલું છે કે ‘જેઓને તેમના સંબંધી જાણકારી મળી ન હતી તેઓ જોશે અને જેઓએ સાંભળ્યું ન હતું તેઓ સમજશે.’”
૨૨
તે જ કારણથી તમારી પાસે આવવામાં મને આટલી બધી વાર લાગી છે.
૨૩
પણ હવે આ પ્રદેશમાં મારે કોઈ સ્થળ બાકી રહેલું નથી અને ઘણાં વર્ષથી તમારી પાસે આવવાની અભિલાષા હું ધરાવું છું.
૨૪
માટે જયારે હું સ્પેન જઈશ ત્યારે હું તમારી પાસે આવીશ; કેમ કે મને આશા છે કે ત્યાં જતા હું તમને મળીશ અને પ્રથમ તમારી સંગતથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવા માટે તમારી વિદાયગીરી લઈશ.
૨૫
પણ હાલ તો હું સંતોની સેવામાં યરુશાલેમ જાઉં છું.
૨૬
કેમ કે યરુશાલેમના સંતોમાં જેઓ ગરીબ છે, તેઓને માટે કંઈ દાન એકત્ર કરવું, એ મકદોનિયાના તથા અખાયાના ભાઈઓને સારું લાગ્યું.
૨૭
તેઓને સારું લાગ્યું; અને તેઓ તેમના ઋણીઓ છે. કેમ કે જો બિનયહૂદીઓ તેઓની આત્મિક બાબતોમાં ભાગીદાર થયા, તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી એ તેઓની પણ ફરજ છે.
૨૮
તેથી એ કામ પૂરું કરીને અને તેઓને માટે તે ફળ અવશ્ય પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ.
૨૯
હું જાણું છું કે હું તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તનાં સંપૂર્ણ આશીર્વાદો લઈને આવીશ.
૩૦
હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માનાં પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે,
૩૧
હું યહૂદિયામાંના અવિશ્વાસીઓના હુમલા થી બચી જાઉં અને યરુશાલેમ જઈને સંતોને સારુ જે સેવા હું બજાવું છું, તે તેમને પસંદ પડે;
૩૨
અને ઈશ્વરની ઇચ્છાથી હું આનંદસહિત તમારી પાસે આવું અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options