Skip to content
માર્ક ૧૪:૧-૧૫

માર્ક ૧૪:૧-૧૫

૧
હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા.
૨
તેઓએ કહ્યું કે, ‘પર્વમાં નહિ કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય.’”
૩
જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું.
૪
પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે, ‘અત્તરનો બગાડ શા માટે કર્યો?
૫
કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત. અને એ પૈસા ગરીબોને અપાત.’” તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી.
૬
પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે.
૭
કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી.
૮
જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે.
૯
વળી હું તમને નિશ્ચે કહું છું કે, આખી દુનિયામાં, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.’”
૧૦
બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારુ કે તે ઈસુને ધરપકડ કરીને તેઓના હાથમાં સોંપશે.
૧૧
તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુની ધરપકડ કરવાની તક શોધતો રહ્યો.
૧૨
બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, ‘તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?’”
૧૩
ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, ‘શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો.
૧૪
અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે, “ઉપદેશક કહે છે કે, મારી ઊતરવાની ઓરડી ક્યાં છે કે, જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?”
૧૫
તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options