Skip to content
યહોશુઆ ૨:૮-૨૪

યહોશુઆ ૨:૮-૨૪

૮
તે માણસો સૂઈ જાય તે પહેલાં રાહાબ તેઓની પાસે અગાશી પર આવી.
૯
તેણે કહ્યું, “હું જાણું છું કે યહોવાહે આ દેશ તમને આપ્યો છે અને તમારો અમને ભય લાગે છે. દેશના રહેવાસીઓ તમારાથી થરથર કાંપે છે.
૧૦
તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહે કેવી રીતે લાલ સમુદ્રનાં પાણી સૂકવી નાખ્યાં હતાં તે અમે સાંભળ્યું છે. અને યર્દનની બીજી બાજુના અમોરીઓના બે રાજા સીહોન તથા ઓગ, જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો હતો, તેઓની તમે શી દશા કરી હતી તે અમે સાંભળ્યું છે.
૧૧
જ્યારે એ સાંભળ્યું ત્યારે અમે ખૂબ જ ડરી ગયા અને કોઈનામાં હિંમત રહી નહિ કેમ કે યહોવાહ તમારા પ્રભુ તે જ ઉપર આકાશના અને નીચે પૃથ્વીના યહોવાહ છે.
૧૨
માટે હવે, યહોવાહનાં સમ આપીને હું તમને વિનંતી કરું છું કે, જેમ મેં તમારા પર દયા કરી તેમ તમે પણ મારા પિતાના ઘર પર દયા કરો. મને સ્પષ્ટ નિશાની આપો
૧૩
અને તમે મારા પિતા, માતા, ભાઈઓ, બહેનો અને તેઓનાં કુટુંબોના સર્વસ્વને બચાવશો અને અમારા જીવ ઉગારશો.”
૧૪
તે માણસોએ તેને કહ્યું, “જો તમે અમારા વિષે કોઈને કશું નહિ કહી દો તો તમારા બદલે અમારા જીવ જાઓ. અને જયારે યહોવાહ અમને આ દેશ આપશે ત્યારે અમે તમારા પ્રત્યે દયાળુ અને વિશ્વાસુ રહીશું.”
૧૫
ત્યારે તેણે દોરડાનો ઉપયોગ કરીને તેઓને બારીમાંથી નીચે ઉતાર્યા; કારણ કે તે જે ઘરમાં રહેતી હતી તે નગરકોટની ઉપર બંધાયેલું હતું.
૧૬
અને તેણે તેઓને કહ્યું, “તમે જઈને પર્વતમાં સંતાઈ રહો, નહિ તો પીછો કરનારાઓ તમને પકડી લેશે. તેઓ પાછા વળે ત્યાં સુધી ત્રણ દિવસ સંતાઈ રહેજો. પછી તમારા રસ્તે આગળ જજો.”
૧૭
તે માણસોએ તેને કહ્યું, આ જે પ્રતિજ્ઞા તેં અમારી પાસે લેવડાવી છે તે વિષે અમે એ પ્રમાણે નિર્દોષ રહીશું.
૧૮
જયારે અમે આ દેશની અંદર આવીએ ત્યારે જે બારીમાંથી તેં અમને નીચે ઉતાર્યા, ત્યાં તું આ લાલ રંગની દોરી બાંધજે, તારા પિતાને, માતાને, ભાઈઓને તથા તારા ઘરનાં સર્વને તારા ઘરમાં ભેગાં કરી રાખજે.
૧૯
એમ થશે કે જે કોઈ તારા ઘરના બારણાની બહાર નગરમાં જશે તેઓનું રક્ત તેઓના પોતાના માથે પણ અમે તે સંબંધી નિર્દોષ રહીશું. પણ જે કોઈ તારી સાથે તારા ઘરમાં હશે તેના પર જો કોઈનો હાથ પડે તો તેનું રક્ત અમારે માથે.
૨૦
પણ જો તું અમારી આ વાત વિષે કહી દે તો પછી જે વચનના સમ તેં અમને આપ્યાં તે સમ વિષે અમે નિર્દોષ રહીશું.”
૨૧
ત્યારે રાહાબે કહ્યું, તમારા કહ્યા પ્રમાણે થાઓ. તેણે તેઓને વિદાય કર્યા અને તેઓ ચાલ્યા ગયા, અને તેણે લાલ રંગની દોરી બારીએ બાંધી.
૨૨
તેઓ પર્વત પર પહોંચ્યા અને તેઓની પાછળ પડનારાઓ પાછા વળ્યા એ દરમિયાન ત્રણ દિવસો સુધી ત્યાં જ રહ્યા. પીછો કરનારાઓએ આખા રસ્તે તેઓને શોધ્યા કર્યા પણ તેઓ મળ્યા નહિ.
૨૩
અને તે બે માણસો પર્વત પરથી પાછા ઊતર્યા અને નદી ઓળંગીને નૂનના દીકરા યહોશુઆ પાસે પાછા આવ્યા, તેઓને જે અનુભવ થયા હતા તે બધી માહિતી તેને કહી સંભળાવી.
૨૪
તેઓએ યહોશુઆને કહ્યું કે, “નિશ્ચે યહોવાહે આખો દેશ આપણને આપ્યો છે; વળી તે દેશના સર્વ રહેવાસીઓ આપણી આગળ ખૂબ જ ડરી ગયા છે અને ઠંડા પડી ગયા છે.”

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options