Skip to content
યોહાન ૧૯:૩૦-૪૨

યોહાન ૧૯:૩૦-૪૨

૩૦
ત્યારે ઈસુએ સરકો ચાખ્યાં પછી કહ્યું કે, ‘સંપૂર્ણ થયું;’ અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો.
૩૧
તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, અને તે વિશ્રામવાર મહત્ત્વનો દિવસ હતો, એ માટે વિશ્રામવારે તેઓના મૃતદેહ વધસ્તંભ પર રહે નહિ માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે, ‘તેઓના પગ ભાંગીને તેઓને નીચે ઉતારવામાં આવે.’”
૩૨
એ માટે સિપાઈઓએ આવીને ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા બંને જણાનાં પગ ભાંગ્યાં.
૩૩
જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.
૩૪
તોપણ સિપાઈઓમાંના એકે ભાલાથી તેમની કૂખ વીંધી અને તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં.
૩૫
જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે જેથી તમે પણ વિશ્વાસ કરો, તેની સાક્ષી સાચી છે. તે સત્ય કહે છે, એ તે જાણે છે.
૩૬
કેમ કે, ‘તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ’ એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું;
૩૭
વળી બીજું શાસ્ત્રવચન કહે છે કે, ‘જેમને તેઓએ વીંધ્યા તેમને તેઓ જોશે.’”
૩૮
આ બાબતો બન્યા પછી અરિમથાઈનો યૂસફ, જે યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો, તેણે ઈસુનો પાર્થિવ દેહ લઈ જવાની પિલાત પાસે માગણી કરી; અને પિલાતે તેને પરવાનગી આપી. તેથી તે આવીને તેમનો દેહ ઉતારીને લઈ ગયો.
૩૯
જે અગાઉ એક રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે નિકોદેમસ પણ બોળ અને અગરનું આશરે 30 કિલોગ્રામ મિશ્રણ લઈને આવ્યો.
૪૦
ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના વસ્ત્રમાં લપેટ્યો.
૪૧
હવે જ્યાં તેમને વધસ્તંભે જડ્યાં હતા ત્યાં એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી દફનાવવામાં આવ્યો ન હતો.
૪૨
તે કબર પાસે હતી અને તે દિવસ યહૂદીઓના પાસ્ખાની તૈયારીનો હતો માટે ઈસુને ત્યાં જ દફનાવવામાં આવ્યા.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options