Skip to content
યર્મિયા ૫૧:૩૫-૫૯

યર્મિયા ૫૧:૩૫-૫૯

૩૫
સિયોનના લોકો બોલી ઊઠશે, “અમારી પર કરેલાં દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો! યરુશાલેમ કહેશે કે, અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત ખાલદીઓને ચૂકવવા દો!”
૩૬
આથી યહોવાહ પોતાના લોકોને કહે છે, હું તમારો પક્ષ લઈશ અને તમારું વૈર વાળીશ. હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાને વહેતું બંધ કરી દઈશ.
૩૭
અને બાબિલના ઢગલા થશે. તે શિયાળવાંની બોડ થશે. તે વસ્તીહીન થઈને વિસ્મય તથા હાંસી ઉપજાવે તેવું થશે.
૩૮
બાબિલવાસીઓ બધા ભેગા થઈને જુવાન સિંહની જેમ ગર્જના કરે છે. સિંહના બચ્ચાની જેમ ઘૂરકાટ કરે છે.
૩૯
જ્યારે તેઓ તપી જઈને મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે ઉજાણી કરીશ, જેમાં તેઓ મોજ કરે અને સદાની નિદ્રામાં પડે. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ, માટે હું તેઓને મગ્ન કરીશ એવું યહોવાહ કહે છે.
૪૦
હું તેઓને હલવાનોની જેમ બકરાંસહિત ઘેટાંઓની જેમ કતલખાનામાં લઈ જઈશ.
૪૧
શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશસિત થયેલો તે કેવો પકડાયો છે! બાબિલ અન્ય પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે!
૪૨
બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેનાં મોજાઓએ તેને ઢાંકી દીધું છે.
૪૩
તેના નગરો ખંડેર સ્થિતિમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઈ ગયો છે. ત્યાં કોઈ રહેતું નથી અને તેમાં થઈને કોઈ મનુષ્ય પણ પસાર થતા નથી.
૪૪
યહોવાહ કહે છે, “હું બાબિલમાં બેલને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ. પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.
૪૫
ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાહના ભયંકર રોષમાંથી સૌ પોતપોતાના જીવ બચાવો.
૪૬
હિંમત હારશો નહિ, દેશમાં ફેલાતી અફવાઓથી ગભરાઈ જશો નહિ, એક વર્ષે એક અફવા ફેલાય છે, અને બીજે વર્ષે બીજી ફેલાઈ છે. દેશમાં બધે આંતરિક યુદ્ધો અને જુલમ ચાલી રહ્યા છે.
૪૭
તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, કે જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું. આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.
૪૮
ત્યારે આકાશ અને પૃથ્વી તેમ જ તેમાંનું સર્વ બાબિલના પતનથી હર્ષના પોકારો કરશે. એવું યહોવાહ કહે છે. ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે,
૪૯
“બાબિલે જેમ ઇઝરાયલના કતલ થયેલાઓને પાડ્યા છે. તેમ બાબિલના કતલ થયેલાઓને તેઓએ પાડ્યા છે.
૫૦
તમે જેઓ તેની તલવારનો ભોગ બનતા બચી ગયા છો, તે નાસી જાઓ રોકાશો નહિ દૂર દેશમાં, યહોવાહને સંભારજો અને યરુશાલેમને ભૂલશો નહિ.”
૫૧
અમે નિંદા સાંભળી છે. તેથી અમે લજ્જિત થયા છીએ, કેમ કે, પરદેશીઓ યહોવાહના ઘરમાં પેસી ગયા છે.
૫૨
તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ અને સમગ્ર દેશમાં ઘાયલ થયેલા માણસો નિસાસા નાખશે.
૫૩
જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઊંચા કોટોની કિલ્લેબંધી કરે તોપણ મારી પાસેથી તેના પર વિનાશક આવશે.’ એવું યહોવાહ કહે છે.
૫૪
બાબિલમાંથી આવતા રુદનનાસ્વર અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો સંભળાય છે.
૫૫
યહોવાહ બાબિલનો વિનાશ કરી રહ્યા છે. અને તેના કોલાહલને શમાવી રહ્યા છે. શત્રુઓનું સૈન્ય મહાસાગરના તરંગોની જેમ ગર્જના અને ઘૂઘવાટા કરતું ધસી રહ્યું છે.
૫૬
કેમ કે તેના પર એટલે બાબિલ પર વિનાશક આવી પહોંચ્યો છે. તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેઓનાં ધનુષ્ય તોડી પડાયાં છે, કેમ કે યહોવાહ તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે.; તે નિશ્ચે બદલો લેશે.
૫૭
સૈન્યોના યહોવાહ કહે છે, આ રાજાનો હુકુમ છે “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, અધિકારીઓને તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.
૫૮
સૈન્યોના યહોવાહ કહે છે, બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઈ જશે, તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે, જે બાંધવા માટે ઘણા લોકોએ પોતાની જાતને ઘસી નાખી હતી તે બધું ભસ્મ થઈ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”
૫૯
યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાના રાજા માસેયાના દીકરા નેરિયાનો દીકરા સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યર્મિયા પ્રબોધકે સરાયાને આપી તે આ છે. સરાયા તો લશ્કરનો મુખ્ય અધિકારી હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options