ઊત્પત્તિ ૪૩:૧-૯
૧
¶ કનાન દેશમાં ભયંકર દુકાળ તો વ્યાપેલો જ હતો.
૨
તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા, તે પૂરું થવા આવ્યું હતું ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું, “તમે ફરીથી જઈને આપણે માટે અન્ન વેચાતું લઈ આવો.”
૩
¶ યહૂદાએ તેને કહ્યું, “તે માણસે અમને ગંભીરતાથી ચેતવણી આપેલી છે, ‘જો તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.’
૪
જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે તો જ અમે જઈને આપણે માટે અનાજ લાવી શકીએ એવું છે.
૫
પણ જો તું તેને નહિ મોકલે તો અમે જઈશું નહિ. કેમ કે તે માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.’”
૬
¶ ઇઝરાયલે કહ્યું, “અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારી સાથે આવું વર્તન કેમ કર્યું?”
૭
તેઓએ કહ્યું, “આપણા વિષે તથા આપણા કુટુંબ વિષે તે માણસે પૂછપરછ કરીને કહ્યું, ‘શું તમારો પિતા હજુ હયાત છે? શું તમારો બીજો કોઈ ભાઈ છે?’ અમે તેના પ્રશ્નો પ્રમાણે તેને ઉત્તર આપ્યો. અમને શું ખબર કે તે એમ કહેશે, ‘તમારા ભાઈને અહીં લાવો?’”
૮
¶ યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, “અમારી સાથે બિન્યામીનને મોકલ કે, અમે રવાના થઈએ અને મિસરમાંથી અનાજ લાવીએ કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.
૯
હું તેની ખાતરી આપું છું કે તું તેને મારી પાસેથી માગજે. જો હું તેને તારી પાસે ન લાવું અને તેને તારી આગળ રજૂ ન કરું, તો તેનો દોષ સદા મારા પર રહેશે.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0