Skip to content

માથ્થી૧૧

ઈસુ પોતાની સેવા ચાલુ રાખે છે

ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે શીખવવા તથા ઉપદેશ આપવા તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા.

યોહાન બાપ્તિસ્ત ઈસુને પ્રશ્ન કરે છે

હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને
તેમને પુછાવ્યું કે, “જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”
ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો.
અંધજનો દેખતા થાય છે, અપંગો ચાલતા થાય છે, રક્તપિત્તના રોગીઓ શુદ્ધ કરાય છે, બહેરાઓ સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે.
જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.”

ઈસુની યોહાન વિશેની સાક્ષી

જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?
પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? ખરેખર, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.
તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતાં જે ઘણાં અધિક છે તેને.
૧૦
જેનાં સંબંધી એમ લખેલું છે કે, ‘જો, હું મારા સંદેશવાહકને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’”
૧૧
હું તમને નિશ્ચે કહું છું કે, જેટલાં સ્ત્રીઓથી જનમ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે.
૧૨
યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અત્યાર સુધી સ્વર્ગના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ તેને છીનવી લે છે.
૧૩
કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે.
૧૪
જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.
૧૫
જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

પ્રતિસાદ ન આપતી પેઢી

૧૬
પણ આ પેઢીને હું શાની સાથે સરખાવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે
૧૭
‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; ‘અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.’”
૧૮
કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,’ તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’
૧૯
માણસનો દીકરો ખાતો પીતો આવ્યો, તો તેઓ કહે છે કે, ‘જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.’”

પસ્તાવો ન કરનારાં નગરોને અફસોસ

૨૦
ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તેમણે તેઓની ટીકા કરી.
૨૧
“ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત.
૨૨
વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ થશે.
૨૩
ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.
૨૪
વળી હું તમને કહું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ થશે.”

ઈસુ પિતાની સ્તુતિ કરે છે અને વિશ્રામ આપે છે

૨૫
તે વેળા ઈસુએ કહ્યું કે, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા સમજણાઓથી તમે એ વાતો ગુપ્ત રાખી તથા બાળકોની આગળ પ્રગટ કરી છે.
૨૬
હા, પિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.
૨૭
મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે, પિતા સિવાય દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા સિવાય પિતાને કોઈ જાણતું નથી, તથા જેમને દીકરો પ્રગટ કરવા ચાહે તેને જ પિતા જાણે છે.

મારી પાસે આવો અને વિશ્રામ પામો

૨૮
ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.
૨૯
મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો.
૩૦
કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે.”
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options