પ્રકટીકરણ ૧:૯-૧૮
૯
¶ હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં તમારા સહભાગી, ઈશ્વરનાં વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ ટાપુ પર હતો.
૧૦
પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે,
૧૧
‘તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામનમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓને મોકલ.’”
૧૨
¶ જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ.
૧૩
તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની નીચે સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો.
૧૪
¶ તેમનું માથું તથા વાળ સફેદ ઊન અને બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી.
૧૫
તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણાં પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો.
૧૬
તેમના જમણાં હાથમાં સાત તારા હતા; અને તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો.
૧૭
¶ જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, ‘બીશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું;
૧૮
અને જે જીવંત છે તે હું છું. હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું! મરણ તથા પાતાળની ચાવીઓ મારી પાસે છે.
Settings