Skip to content
લૂક ૮:૧-૨૪

લૂક ૮:૧-૨૪

૧
થોડા સમય પછી ઈસુએ શહેરેશહેર તથા ગામેગામ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરી અને બાર શિષ્યો પણ તેમની સાથે હતા,
૨
કેટલીક સ્ત્રીઓને દુષ્ટાત્માઓથી તથા રોગોથી સાજી કરવામાં આવી હતી, તેઓમાં જેનાંમાંથી સાત દુષ્ટાત્માઓને કાઢવામાં આવ્યા હતા તે મગ્દલાની મરિયમ,
૩
હેરોદના કારભારી ખોઝાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ, જેઓ પોતાના નાણાં વાપરીને ઈસુની સેવા કરતી હતી તેઓ પણ તેમની સાથે હતી.
૪
જયારે ઘણાં લોકો એકઠા થયા, અને શહેરે શહેરના લોક તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્રષ્ટાંત કહ્યું કે,
૫
‘એક માણસ બીજ વાવવાને ગયો, વાવતાં વાવતાં કેટલાક બીજ માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે બીજ ખાઈ ગયા.
૬
બીજાં બીજ પથ્થરવાળી જમીન પર પડયાં અને ઊગ્યાં તેવા જ તે ચીમળાઈ ગયા, કારણ, ત્યાં ભેજ નહોતો.
૭
કેટલાક બીજ કાંટાનાં જાળાંમાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં.
૮
વળી બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં અને તેને સોગણો પાક થયો,’ એ વાતો કહેતાં ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”
૯
તેમના શિષ્યોએ ઈસુને પૂછ્યું કે, ‘એ દ્રષ્ટાંતનો અર્થ શો છે?’”
૧૦
ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને દ્રષ્ટાંતોમાં, કે જેથી જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.
૧૧
હવે દ્રષ્ટાંતનો અર્થ આ છે; બીજ તો ઈશ્વરનું વચન છે.
૧૨
અને માર્ગની કોર પરનાં તો સાંભળનારાં માણસો છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એ માટે કે તેઓ વિશ્વાસ ન કરે અને ઉદ્ધાર ન પામે.
૧૩
પથ્થર પર પડેલાં બીજ તો એ છે કે, જેઓ સાંભળીને સંદેશને આનંદથી માની લે છે; અને તેઓને મૂળ કે આધાર ન હોવાથી, તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, પણ પરીક્ષણના સમયે પાછા હઠી જાય છે.
૧૪
કાંટાઓમાં પડેલાં બી એ છે કે, જેઓએ સંદેશ સાંભળ્યો છે, પણ પોતાને માર્ગે ચાલતાં ભૌતિક જગતની ચિંતાઓ તથા દ્રવ્ય તથા વિલાસથી તે દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી.
૧૫
અને સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સંદેશો સાંભળીને પ્રમાણિક તથા સારાં હૃદયથી વાત ગ્રહણ કરે છે, અને ધીરજથી ફળ આપે છે.
૧૬
વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી; પણ તેને દીવી પર મૂકે છે કે અંદર આવનારાઓને અજવાળું મળે.
૧૭
કારણ કે, એવી કોઈ છૂપી વસ્તુ નથી કે તે ખુલ્લી નહિ થાય અને જણાશે નહિ, તથા ઉધાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત નથી.
૧૮
માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે જેની પાસે છે તેને અપાશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેનું જે છે તે પણ લઈ લેવાશે.’”
૧૯
ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યા નહિ.
૨૦
અને ઈસુને કોઈએ ખબર આપી કે, ‘તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.’”
૨૧
પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.’”
૨૨
એક દિવસે એમ થયું કે, ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા; ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે, ‘આપણે સરોવરને સામે પાર જઈએ;’ અને તેઓ નીકળ્યા.
૨૩
અને તેઓ હંકારતા હતા એટલામાં ઈસુ ઊંધી ગયા; અને સરોવર પર પવનનું ભારે તોફાન આવ્યું; પાણીથી હોડી ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં આવી પડ્યા.
૨૪
એટલે શિષ્યો ઈસુ પાસે આવ્યા, અને તેમને જગાડીને કહ્યું કે, ‘ગુરુજી ગુરુજી, અમે નાશ પામીએ છીએ!’ ત્યારે તેમણે ઊભા થઈને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તોફાન બંધ થયું અને શાંતિ થઈ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options