પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૧-૩૩
૧
¶ હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સૂબેદાર હતો.
૨
તે તથા તેનાં ઘરનાં સર્વ માણસો ઈશ્વરનો ભય રાખતાં હતાં. તે લોકોને ઘણાં દાન આપતો અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.
૩
¶ તેણે એક દિવસ બપોરે આશરે ત્રણ કલાકે દર્શનમાં ઈશ્વરના સ્વર્ગદૂતને પોતાની પાસે આવતો, તથા પોતાને, ઓ કર્નેલ્યસ, એમ કહેતો પ્રત્યક્ષ જોયો.
૪
ત્યારે સ્વર્ગદૂતની સામે એક નજરે જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે, પ્રભુ શું છે? સ્વર્ગદૂતે કહ્યું કે, તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને સારુ પહોંચ્યાં છે.
૫
હવે તું જોપ્પામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ.
૬
સિમોન ચમાર, કે જેનું ઘર સમુદ્રકિનારે છે, તેને ત્યાં તે અતિથિ છે.
૭
¶ જે સ્વર્ગદૂતે તેની સાથે વાત કરી હતી, તેના અદ્રશ્ય થઈ ગયા પછી કર્નેલ્યસે પોતાના ઘરના ચાકરોમાંના બેને, તથા જેઓ સતત તેની સમક્ષ હાજર રહેતા હતા તેઓમાંના ઈશ્વરમાં શ્રદ્ધાળુ એક સિપાઈને બોલાવ્યા.
૮
અને તેઓને બધી વાત કહીને તેણે તેઓને જોપ્પામાં મોકલ્યા.
૯
¶ હવે તેને બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં શહેરની પાસે આવી પહોંચ્યા, તેવામાં આશરે બપોરના સમયે પિતર પ્રાર્થના કરવાને ઘરની અગાશી પર ગયો.
૧૦
તે ભૂખ્યો થયો, અને તેને ભોજન કરવાની ઇચ્છા થઈ; પરંતુ તેઓ રસોઈ તૈયાર કરતા હતા તે સમયે પિતર મૂર્છાગત થયો;
૧૧
અને સ્વર્ગ ખુલ્લું થયેલું તથા મોટી ચાદરનાં જેવું એક વાસણ તેના ચાર ખૂણાથી લટકાવેલું ધરતી પર ઊતરી આવતું તેણે નિહાળ્યું.
૧૨
તેમાં પૃથ્વી પરનાં સર્વ જાતનાં ચોપગા તથા પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ હતાં.
૧૩
¶ ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે, પિતર, ઊઠ; મારીને ખા.
૧૪
પણ પિતરે કહ્યું કે, પ્રભુ, એમ તો નહિ; કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી.
૧૫
ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે, ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.
૧૬
એમ ત્રણ વાર થયું; પછી તરત તે વાસણ સ્વર્ગમાં પાછું ખેંચી લેવામાં આવ્યું.
૧૭
¶ હવે આ જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે, એ વિષે પિતર બહુ મૂંઝાતો હતો એવામાં, જુઓ, કર્નેલ્યસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતાં પૂછતાં બારણા આગળ આવીને ઊભા રહ્યા.
૧૮
તેઓએ હાંક મારીને પૂછ્યું કે, સિમોન, જેનું બીજું નામ પિતર છે, તે શું અહીં રોકાયેલ છે?
૧૯
¶ હવે પિતર તે દર્શન વિષે વિચાર કરતો હતો ત્યારે આત્માએ તેને કહ્યું કે, જો, ત્રણ માણસો તને શોધે છે.
૨૦
માટે તું ઊઠ અને નીચે ઊતરીને કંઈ સંદેહ રાખ્યા વિના તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે.
૨૧
ત્યારે પિતર ઊતરીને તે માણસો પાસે ગયો, અને કહ્યું કે, જુઓ, જેને તમે શોધો છો તે હું છું, તમે શા માટે આવ્યા છો?
૨૨
¶ ત્યારે તેઓએ કહ્યું કે, કર્નેલ્યસ નામે એક સેનાપતિ જે ન્યાયી તથા ઈશ્વરનું સન્માન જાળવનાર વ્યક્તિ છે, અને તેને વિષે આખી યહૂદી કોમ સારું બોલે છે, તેને પવિત્ર સ્વર્ગદૂતની મારફતે આજ્ઞા મળી છે કે તે તને તેના ઘરે તેડાવીને તારી વાતો સાંભળે.
૨૩
ત્યારે તેણે તેઓને અંદર બોલાવીને મહેમાન તરીકે ઘરમાં રાખ્યા. બીજા દિવસે તે તેઓની સાથે ગયો, અને જોપ્પામાંનાં કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા.
૨૪
¶ બીજે દિવસે તેઓ કાઈસારિયા આવી પહોંચ્યા, તે સમયે કર્નેલ્યસ પોતાનાં સગાંઓને તથા પ્રિય મિત્રોને એકત્ર કરીને તેઓની રાહ જોતો હતો.
૨૫
¶ પિતર અંદર આવ્યો ત્યારે કર્નેલ્યસ તેને મળ્યો, અને તેના ચરણે ઝૂકીને દંડવત પ્રણામ કર્યા.
૨૬
પણ પિતરે તેને ઉઠાડીને કહ્યું કે, ઊભો થા, હું પણ માણસ છું.
૨૭
¶ તેની સાથે વાત કરતાં કરતાં પિતર અંદર ગયો, ત્યારે તેણે ઘણાંને એકઠાં થયેલાં જોયાં;
૨૮
તેણે તેઓને કહ્યું કે, તમે પોતે જાણો છો કે બીજી જાતિના માણસોની સાથે સંબંધ રાખવો, અથવા તેના ત્યાં જવું, એ યહૂદી માણસને માટે યોગ્ય નથી; પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે, મારે કોઈ વ્યક્તિને અપવિત્ર અથવા અશુદ્ધ ગણવી નહિ.
૨૯
તેથી જ જ્યારે તમે મને આમંત્રણ આપ્યું ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો; માટે હું પૂછું છું કે, તમે શા કારણથી મને બોલાવ્યો છે?
૩૦
¶ કર્નેલ્યસે કહ્યું કે, ચાર દિવસ પહેલાં હું આ જ સમયે મારા ઘરમાં બપોરના ત્રણ કલાકે પ્રાર્થના કરતો હતો; ત્યારે જુઓ, તેજસ્વી પોશાક પહેરેલા એક માણસને મેં મારી સામે ઊભો રહેલો જોયો;
૩૧
તે બોલ્યો કે, કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.
૩૨
માટે તું માણસને જોપ્પામાં મોકલીને સિમોન, જેનું બીજુ નામ પિતર છે, તેને તારી પાસે બોલાવ; તે સમુદ્રના કિનારે સિમોન ચમારના નિવાસસ્થાને અતિથિ છે.
૩૩
માટે મેં તરત તને બોલાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તને ફરમાવી છે, તે સર્વ સાંભળવા સારુ અમે સઘળા અહીં ઈશ્વરની સમક્ષ ઉપસ્થિત થયા છીએ.
Settings