2 કાળવ્રત્તાંત ૩૦:૧૮-૨૭
૧૮
¶ કેમ કે એફ્રાઇમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલોનના ઘણાં લોકો શુદ્ધ થયા નહોતા, છતાં તેમણે વિધિપૂર્વક નિયમો પાળ્યા વગર જ પાસ્ખાનું ભોજન લીધું હતું. પણ હિઝકિયાએ તેઓને માટે પ્રાર્થના કરી કે, “દરેકને ઈશ્વર માફ કરો;
૧૯
કે જેઓએ પોતાના પિતૃઓના ઈશ્વરની શોધ ખરા અંત:કરણથી કરી છે - પછી ભલે તેઓ પવિત્રસ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર ના થયા હોય.”
૨૦
ઈશ્વરે હિઝકિયાની પ્રાર્થના સાંભળી અને લોકોને માફ કર્યા.
૨૧
¶ આ રીતે ઇઝરાયલના લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓએ સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીરી રોટલીના પર્વની ઊજવણી કરી. તે દરમિયાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
૨૨
ઈશ્વરની સેવામાં ઊભા રહેનારા તમામ લેવીઓને હિઝકિયા રાજાએ ઘણું ઉત્તેજન આપ્યું. આમ તેઓએ સાત દિવસ સુધી તહેવારમાં શાંત્યર્પણો કરીને ઈશ્વર આગળ પસ્તાવો કરીને લોકોએ તેઓના પિતૃઓના ઈશ્વરની સ્તુતિ કરી.
૨૩
¶ આખી સભાએ બીજા સાત દિવસ સુધી ઉત્સવ ઊજવવાનો નિર્ણય કર્યો. અને તેમણે બીજા સાત દિવસ સુધી આનંદોત્સવ કર્યો.
૨૪
કારણ કે, યહૂદાના રાજા હિઝકિયાએ પ્રજાને એક હજાર બળદો અને સાત હજાર ઘેટાં અર્પણ માટે આપ્યાં હતાં અને તેના અધિકારીઓએ તે ઉપરાંત બીજા એક હજાર બળદો અને દસ હજાર ઘેટાં આપ્યાં હતા. મોટી સંખ્યામાં યાજકોએ પોતાને પવિત્ર કર્યા હતા.
૨૫
¶ યાજકો અને લેવીઓ સહિત યહૂદિયાની આખી સભાએ તેમ જ ઇઝરાયલથી આવેલા સમગ્ર લોકોની સભાએ તથા જે વિદેશીઓ ઇઝરાયલથી આવ્યા હતા તેમ જ જેઓ યહૂદામાં વસતાં હતા એ બધાએ આનંદોત્સવ કર્યો.
૨૬
યરુશાલેમમાં ઘણો મોટો આનંદ ઉત્સવ ઊજવાયો; ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાનના સમય પછી યરુશાલેમમાં આવો ઉત્સવ કદી ઊજવાયો નહોતો.
૨૭
ત્યાર બાદ યાજકો અને લેવીઓએ ઊભા થઈને આશીર્વાદ આપ્યાં. તેઓનો અવાજ અને તેઓની પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં-સ્વર્ગમાં સાંભળવામાં આવી.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0
Settings