Skip to content
2 કાળવ્રત્તાંત ૧૦:૧૨-૧૯

2 કાળવ્રત્તાંત ૧૦:૧૨-૧૯

૧૨
રાજાએ કહેલું હતું, “ત્રીજા દિવસે મારી પાસે પાછા આવજો.” તેથી યરોબામ અને સર્વ લોકો ત્રીજા દિવસે રહાબામ પાસે પાછા આવ્યા.
૧૩
રહાબામ રાજાએ તેઓને ઉદ્ધતાઈથી જવાબ આપ્યો; અને વડીલોની સલાહને ગણકારી નહિ.
૧૪
પણ જુવાનોની સલાહ પ્રમાણે તેણે તેઓ સાથે વાત કરી; તેણે કહ્યું, “હું તમારા પરની ઝૂંસરી ભારે કરીશ; હું એ ઝૂંસરીનો ભાર વધારીશ. મારા પિતા તમને ચાબુકોથી સજા કરતા હતા, પણ હું તમને વીંછીઓથી સજા કરીશ.”
૧૫
આમ, રાજાએ લોકોની વાત સાંભળી નહિ, આ સર્વ ઈશ્વરની ઇચ્છાથી થયું હતું, કેમ કે ઈશ્વરે શીલોની અહિયા મારફતે નબાટના દીકરા યરોબામને જે વચન આપ્યું હતું તેને તે પૂર્ણ કરે.
૧૬
જ્યારે આખા ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી ત્યારે લોકોએ તેને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના દીકરામાં અમારો શો વારસો? દરેક જણ પોતપોતાના ઘરે પાછા જાઓ. હે દાઉદ પુત્ર, હવે તારું પોતાનું ઘર તું સંભાળજે.” એવું કહીને તમામ ઇઝરાયલી લોકો પોતપોતાને ઘરે પાછા ગયા.
૧૭
પણ યહૂદિયાના નગરોમાં જે ઇઝરાયલી લોકો રહેતા હતા તેઓ પર રહાબામે રાજ કર્યું.
૧૮
પછી રહાબામ રાજાએ હદોરામ, જે મજૂરોનો ઉપરી હતો અને જુલમથી કામ કરાવતો હતો તેને ઇઝરાયલના લોકો પાસે મોકલ્યો, પણ ઇઝરાયલના લોકોએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રાજા તેના રથ પર બેસીને ઉતાવળે યરુશાલેમ નાસી ગયો.
૧૯
એમ, ઇઝરાયલે દાઉદના ઘર વિરુદ્ધ બળવો કર્યો, જે આજ દિવસ સુધી ચાલતો રહ્યો છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options