Skip to content
1 રાજઓ ૨૦:૧૩-૨૮

1 રાજઓ ૨૦:૧૩-૨૮

૧૩
તો જુઓ, એક પ્રબોધક ઇઝરાયલના રાજા આહાબની પાસે આવીને બોલ્યો, “યહોવાહ એવું કહે છે, ‘શું તેં આ મારા મોટા સૈન્યને જોયું છે? જો, હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ અને તું જાણશે કે હું યહોવાહ છું.’
૧૪
આહાબે પૂછ્યું, “કોની મારફતે?” યહોવાહે જવાબ આપ્યો, “પ્રાંતોના સરદારોના જુવાનોની મારફતે.” પછી આહાબે કહ્યું, “યુદ્ધની શરૂઆત કોણ કરશે?” યહોવાહે જવાબ આપ્યો, “તું.”
૧૫
પછી આહાબે યુવાનો કે જે પ્રાંતના સરદારોની સેવા કરતા હતા એ જુવાનોને ભેગા કર્યા. તેઓ બસો બત્રીસ હતા. તેઓના પછી તેણે સમગ્ર ઇઝરાયલી સેનાના સૈનિકોને ભેગા કર્યા; તેઓની સંખ્યા સાત હજાર હતી.
૧૬
તેઓ બપોરે રવાના થયા. પણ બેન-હદાદ પોતે અને તેને સહાય કરનાર બત્રીસ રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરીને મસ્ત થયા હતા.
૧૭
યુવાનો કે જેઓએ પ્રાંતોના સરદારોની સેવા કરી હતી તેઓ પ્રથમ ચાલી નીકળ્યા. પછી બેન-હદાદે માણસો મોકલ્યા અને તેઓએ તેને એવી ખબર આપી, “સમરુનમાંથી માણસો નીકળી આવેલા છે.”
૧૮
બેન-હદાદે કહ્યું, “તેઓ સલાહને માટે આવ્યા હોય કે યુદ્ધ કરવા આવ્યા હોય તોપણ તેઓને જીવતા પકડી લો.”
૧૯
તેથી પ્રાંતોના આગેવાનોની સેવા કરનારા યુવાનો તથા સૈન્ય નગરમાંથી બહાર આવ્યાં.
૨૦
તેઓ સામા પક્ષનાઓને સૈનિકોમાંથી કેટલાક મારી નાખવા લાગ્યા ત્યારે અરામીઓ ડરીને ભાગવા લાગ્યા; પછી ઇઝરાયલીઓ તેઓની પાછળ પડ્યા. અરામનો રાજા બેન-હદાદ કેટલાક ઘોડેસવારો સાથે ઘોડા પર બેસી નાસી ગયો.
૨૧
પછી ઇઝરાયલના રાજાએ બહાર આવીને ઘોડેસવારો તથા રથદળ પર હુમલો કરીને અરામીઓની સખત કતલ કરીને તેઓને મારી નાખ્યા.
૨૨
પ્રબોધકે ઇઝરાયલના રાજા પાસે આવીને તેને કહ્યું, “તું જઈને તારું બળ વધાર અને જે કંઈ કરે તે વિષે લક્ષ તથા ચોકસી રાખ, કેમ કે આવતા વર્ષે અરામનો રાજા તારા પર ફરીથી ચઢાઈ કરશે.”
૨૩
અરામના રાજાના ચાકરોએ તેને કહ્યું, “તેઓના ઈશ્વર તો પર્વતોના ઈશ્વર છે. તેથી તેઓ આપણા કરતાં બળવાન હતા. પણ હવે ચાલો આપણે તેમની સાથે મેદાનમાં યુદ્ધ કરીએ અને ચોક્કસ આપણે તેઓના કરતાં બળવાન થઈશું.
૨૪
અને તમે આટલું કરો: રાજાઓને દૂર કરીને તેઓની જગ્યાએ સરદારોને રાખો.
૨૫
તમે જે સેના ગુમાવી છે તેના જેટલી જ, એટલે તેમાં જેટલા ઘોડેસવાર અને રથદળ હતા તેટલી સેના તમે ઊભી કરો અને આપણે મેદાનમાં તેઓની વિરુદ્ધ યુદ્ધ કરીશું. પછી ચોક્કસ આપણે તેઓના કરતાં બળવાન થઈશું.” બેન-હદાદે તેઓની સલાહ સાંભળી અને તેઓના કહ્યા પ્રમાણે જ કર્યું.
૨૬
નવું વર્ષ શરૂ થતાં, બેન-હદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી ગયો.
૨૭
ઇઝરાયલી લોકો ભેગા થઈને ભાતું લઈને તેઓની સામે લડ્યા. ઇઝરાયલી લોકોએ તેઓની આગળ લવારાંની બે નાની ટોળીઓની માફક છાવણી કરી, પણ અરામીઓ તો સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગયા હતા.
૨૮
પછી ઈશ્વરના એક માણસે પાસે આવીને ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવાહ આમ કહે છે: ‘અરામીઓ એવું માને છે કે યહોવાહ તો પર્વતોના પ્રભુ છે, પણ તે મેદાનનો પ્રભુ નથી; માટે હું આ આખો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ અને તમે જાણશો કે હું જ યહોવાહ છું.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options