Skip to content
1 કરિંથીઓને ૧૪:૧-૧૯

1 કરિંથીઓને ૧૪:૧-૧૯

પ્રેમને અનુસરો; અને આત્મિક દાનો મેળવવાની અભિલાષા રાખો, વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો.
કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે, બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે.
જે પ્રબોધ કરે છે, તે ઉન્નતિ, સુબોધ તથા દિલાસાને માટે માણસો સાથે બોલે છે.
જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે વિશ્વાસી સમુદાયની ઉન્નતિ કરે છે.
મારી ઇચ્છા છે કે, તમે બધા અન્ય ભાષાઓ બોલો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ સમજાવો એવી મારી ઇચ્છા છે. કેમ કે અન્ય ભાષાઓ બોલનાર, જો વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે ભાષાંતર કરે નહિ, તો તે કરતાં પ્રબોધ કરનારનું મહત્ત્વ વધારે છે.
ભાઈઓ, તમારી વચ્ચે આવીને હું અન્ય ભાષાઓ બોલું પણ જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણથી ન બોલું તો તેનાથી તમને કશો લાભ નથી.
એમ જ અવાજ કાઢનાર નિર્જીવ વાજિંત્રો, પછી તે વાંસળી હોય કે વીણા હોય પણ જો એમના સૂરમાં અલગતા આવે નહિ, તો વાંસળી કે વીણા એમાંથી શું વગાડે છે તે કેવી રીતે માલૂમ પડે?
કેમ કે જો રણશિંગડું સ્પષ્ટ સૂર ન કાઢે, તો લડાઈ માટે કોણ સજ્જ થશે?
એમ જ તમે પણ જો જીભ વડે સમજી શકાય એવા શબ્દો ના બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા ગણાશો.
૧૦
દુનિયામાં ઘણી ભાષાઓ છે, તેઓમાંની કોઈ અર્થ વગરની નથી,
૧૧
એ માટે જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું, તો બોલનારની સમક્ષ હું પરદેશી જેવો અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે.
૧૨
એ પ્રમાણે તમે આત્માનાં દાનો ઇચ્છો છો, તે ઝનૂનથી શોધો અને વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે તમે તેમાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરો.
૧૩
તે માટે અન્ય ભાષા બોલનારે પોતે ભાષાંતર કરી શકે, એવી પ્રાર્થના કરવી.
૧૪
કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પણ મારું મન નિષ્ક્રિય રહે છે.
૧૫
તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ અને મનથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ અને મનથી પણ ગાઈશ.
૧૬
નહિ તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં જે ઓછી સમજવાળો માણસ બેઠેલો છે તે તારી સ્તુતિ સાંભળીને આમીન કેવી રીતે કહેશે? કેમ કે તું શું બોલે છે એ તે સમજતો નથી.
૧૭
કેમ કે તું સારી રીતે સ્તુતિ કરે છે ખરો; પણ તેથી અન્યોની ઉન્નતિ થતી નથી.
૧૮
હું ઈશ્વરનો આભાર માનું છું, કે તમારા સર્વનાં કરતાં મને વધારે ભાષાઓ બોલતાં આવડે છે.
૧૯
તોપણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ભાષામાં દસ હજાર શબ્દ બોલવા કરતાં બીજાઓને શીખવવા પોતાની સમજશક્તિથી માત્ર પાંચ શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું છું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options