મુખ્ય સામગ્રી પર જાઓ

Select Readings વિશે બાઇબલની કલમો: David's lament over Absalom

15 કલમો · 47 પાસાં

David's lament over Absalom વિશે કલમો

  1. ¶ ત્યાર પછી સાદોકના દીકરા અહિમાઆસે કહ્યું, “હવે મને દોડીને રાજા પાસે જઈને તેને ખબર આપવા દો, કે કેવી રીતે ઈશ્વરે તેને તેના શત્રુ આબ્શાલોમથી બચાવ્યો છે.”

  2. યોઆબે તેને જવાબ આપ્યો, “આજે તું ખબર લઈને જઈશ નહિ; પણ તું તે ખબર લઈને બીજા કોઈ દિવસે જજે. તું આજે ખબર આપવા જઈશ નહિ કારણ કે રાજાનો દીકરો મરણ પામ્યો છે.”

  3. ¶ પછી યોઆબે કૂશીને કહ્યું, “તું જા, તેં જે જોયું છે તે રાજાને કહેજે.” કૂશી યોઆબને પ્રણામ કરીને રાજાને તે વાતની ખબર આપવાને ચાલી નીકળ્યો.

  4. પછી સાદોકના દીકરા અહિમાઆસે યોઆબને ફરીથી કહ્યું, કંઈપણ થાય પણ, કૃપા કરીને મને પણ કૂશીની પાછળ જઈને રાજાને મળવા જવા દે.” યોઆબે જવાબ આપ્યો, “મારા દીકરા, તારે શા માટે જવું છે? કેમ કે આ સમાચાર આપવાનો કશો તને બદલો મળવાનો નથી?”

  5. અહિમાઆસે કહ્યું, “ગમે તે થાય,” હું તો જવાનો જ. “તેથી યોઆબે તેને ઉત્તર આપ્યો, “ઠીક તો જા.” પછી અહિમાઆસ મેદાનના રસ્તે દોડ્યો અને કૂશીની આગળ નીકળી ગયો.

  6. ¶ હવે દાઉદ બે દરવાજાની વચ્ચે બેઠો હતો. ચોકીદારે કોટના દરવાજાના છત ઉપર ચઢીને આંખો ઊંચી કરીને જોયું. તેણે જોયું કે એક માણસ દોડતો આવી રહ્યો છે.

  7. ચોકીદારે પોકારીને રાજાને કહ્યું. પછી રાજાએ કહ્યું, “જો તે એકલો હશે, તો તેની પાસે કોઈ સમાચાર હશે.” તે ઝડપથી દોડીને નગર પાસે આવ્યો.

  8. ¶ પછી ચોકીદારે જોયું કે બીજો એક માણસ પણ દોડતો આવી રહ્યો છે. ચોકીદારે દરવાનને બોલાવીને કહ્યું, “જો ત્યાં બીજો કોઈ માણસ પણ આવે છે.” એટલે રાજાએ કહ્યું, “તે પણ સમાચાર લઈને આવતો હશે.”

  9. ચોકીદારે કહ્યું, “મને લાગે છે કે, પ્રથમ માણસની દોડ સાદોકના દીકરા અહિમાઆસની જેવી લાગે છે.” રાજાએ કહ્યું, “તે સારો માણસ છે અને સારા સમાચાર લઈને આવે છે.”

  10. ¶ અહિમાઆસે બૂમ પાડીને રાજાને કહ્યું, “બધું ઠીક છે.” અને તેણે રાજાની આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને કહ્યું, “તમારા પ્રભુ ઈશ્વરને ધન્ય હો, જેમણે મારા માલિક રાજા સામે હાથ ઉઠાવનાર માણસોને અમારા હાથમાં આપી દીધા છે.

  11. તેથી રાજાએ જવાબ આપ્યો, “જુવાન આબ્શાલોમ ઠીક તો છે ને?” અહિમાઆસે જવાબ આપ્યો, “યોઆબે રાજાના ચાકરને, એટલે મને તારા દાસને, તારી પાસે મોકલ્યો, ત્યારે મારા જોવામાં ઘણી મોટી ધાંધલધમાલ આવી હતી. પણ તે શું હતું તેની મને ખબર નથી.”

  12. પછી રાજાએ કહ્યું, “એક બાજુ ફરીને અહીં ઊભો રહે.” તેથી અહિમાઆસ ફરીને એક બાજુએ ઊભો રહ્યો.

  13. ¶ પછી તરત જ કૂશીએ આવીને કહ્યું, “મારા માલિક રાજા તારા માટે એક સારા સમાચાર છે, કેમ કે જેઓ તારી સામે ઊઠ્યા હતા તેઓ સર્વ પર ઈશ્વરે આજે વેર વાળ્યું છે.”

  14. પછી રાજાએ કૂશીને કહ્યું, “શું જુવાન આબ્શાલોમ તો ઠીક છે ને?” કૂશીએ જવાબ આપ્યો, “મારા માલિક, જે રાજાના શત્રુઓ, તને નુકસાન પહોંચાડવા તારી સામે ઊઠે છે તેમના હાલ તે જુવાન માણસ આબ્શાલોમના જેવા છે.”

  15. પછી રાજાને ઘણો જ આઘાત લાગ્યો, તે નગરના દરવાજા પરથી ચઢીને ઓરડીમાં ગયો અને રડવા લાગ્યો. જયારે તે અંદર ગયો ત્યારે ઉદાસ થઈને બોલ્યો, “મારા દીકરા આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા આબ્શાલોમ તારા બદલે જો હું મરણ પામ્યો હોત તો કેવું સારું, આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!”