Man વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ ઈશ્વરે કહ્યું કે, “આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.”
ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં.
યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી ખેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ષીને બનાવ્યાં. પછી તેઓને માણસની પાસે લાવ્યા. માણસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.
તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશના પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી.
¶ યહોવાહ ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું.
યહોવાહ ઈશ્વરે માણસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તે માણસ પાસે લાવ્યા.
તે માણસ બોલી ઊઠ્યો કે, “આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે ‘નારી’ કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે.”
¶ તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે.
તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.
¶ હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, ‘વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’
સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીના વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ,
પણ ઈશ્વરે કહેલું છે કે, જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ ‘તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.””
¶ સાપે સ્ત્રીને કહ્યું કે, “તમે મૃત્યુ નહિ પામો.
કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વરો સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો.”
તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.
¶ ત્યારે તેઓ બન્નેની આંખો ઉઘડી ગઈ અને તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ. તેથી તેઓએ અંજીરનાં પાંદડાં જોડીને પોતાને માટે આવરણ બનાવ્યાં.
દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.
¶ યહોવાહ ઈશ્વરે આદમને હાંક મારી કે, “તું ક્યાં છે?”
આદમે કહ્યું કે, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો.”
ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?”
¶ તે માણસે કહ્યું કે, “મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું.”
¶ વળી યહોવાહ ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”
¶ તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, ‘તારે તે ન ખાવું’ તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે.
ભૂમિ તારે માટે કાંટા તથા ઝાંખરાં ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે.
તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.”