Skip to content
ગણના ૧૧:૧-૧૫

ગણના ૧૧:૧-૧૫

૧
અને ઇઝરાયલીઓ યહોવાહના સાંભળતાં મુશ્કેલી વિષે ફરિયાદ કરી. યહોવાહ તે સાંભળીને તેઓના પર ગુસ્સે થયા. અને તેમનો અગ્નિ તેઓ મધ્યે પ્રગટ્યો; અને તેમણે છાવણીના સૌથી દૂરના છેડા સુધીના ભાગને બાળીને ભસ્મ કર્યો.
૨
લોકોએ મૂસાને પોકાર કર્યો, તેથી તેણે લોકો માટે યહોવાહને પ્રાર્થના કરી અને અગ્નિ હોલવાઈ ગયો.
૩
અને તે જગ્યાનું નામ તાબેરાહ પાડવામાં આવ્યું. કેમ કે, તેઓ મધ્યે યહોવાહનો અગ્નિ પ્રગટ્યો હતો.
૪
અને તેઓની સાથે મિશ્રિત થયેલા કેટલાક પરદેશીઓ અયોગ્ય વાસના કરવા લાગ્યા. અને ઇઝરાયલ લોકો ફરિયાદ કરી રડીને કહ્યું કે, “અમને ખાવાને માંસ કોણ આપશે?
૫
જે માછલી મિસરમાં અમે મફતમાં ખાતા હતા તે હવે અમને યાદ આવે છે; વળી કાકડી, તડબૂચ, પ્યાજ અને લસણ પણ.
૬
હાલ તો અમે નબળા પડી ગયા છીએ. ફક્ત આ માન્ના સિવાય બીજું કંઈ જ અમારી નજરે પડતું નથી.”
૭
માન્ના તો ધાણાના દાણા જેટલું હતું. તે ગુંદર જેવા ચીકણા પદાર્થ જેવું દેખાતું હતું.
૮
લોકો છાવણીમાં ફરીને માન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળી અથવા ખાંડણિયામાં ખાંડીને તથા તવામાં શેકીને તેની પૂરીઓ બનાવતા; અને તેનો સ્વાદ જૈતૂનના તેલ જેવો હતો.
૯
અને રાત્રે છાવણીમાં ઝાકળ પડતું ત્યારે તેની સાથે માન્ના પણ પડતું.
૧૦
અને મૂસાએ સર્વ લોકોને પોતપોતાના કુટુંબોમાં એટલે દરેક માણસને પોતાના તંબુના બારણા આગળ રડતાં સાંભળ્યા. અને યહોવાહ બહુ ગુસ્સે થયા મૂસાની નજરમાં ખોટું લાગ્યું.
૧૧
મૂસાએ યહોવાહને કહ્યું, “તમે તમારા સેવકને શા માટે દુઃખી કર્યો? અને હું તમારી દૃષ્ટિમાં કેમ કૃપા ન પામ્યો કે તમે એ સર્વ લોકોનો બોજ મારા પર નાખો છો.?
૧૨
શું આ સર્વ લોકો મારાં સંતાનો છે? શું મેં તેઓને જન્મ આપ્યો છે કે તમે મને કહો છો કે કોઈ પાળક પિતા પોતાની ગોદમાં ધાવણા બાળકને છાતીએ વળગાડી રાખે છે, તેમ જે દેશ વિષે મેં તેઓના પિતૃઓ આગળ સોગન ખાધા તેમાં તેઓને ઊંચકીને લઈ જા?
૧૩
આ સર્વ લોકોને આપવા માટે મને માંસ કયાંથી મળી શકે? કેમ કે તેઓ રડી રડીને મને કહે છે કે, “અમને માંસ આપો કે અમે ખાઈએ.
૧૪
હું એકલો આ સર્વ લોકોનો બોજ સહન કરી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા બહારનો છે.
૧૫
જો તમે મારી સાથે આ રીતે વર્તો, ત્યારે તો, જો હું તમારી દૃષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મને મારી નાખો કે મને મારું હિનતા જોવી ન પડે.”

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options