Skip to content
માથ્થી ૧૯:૧૬-૩૦

માથ્થી ૧૯:૧૬-૩૦

૧૬
ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?”
૧૭
ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, “તું મને સારાં વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનનાં માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.”
૧૮
તે વ્યક્તિએ ઈસુને કહ્યું કે, ‘કઈ આજ્ઞાઓ?’ ત્યારે ઈસુએ કહ્યું કે, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર,
૧૯
પોતાનાં માતાપિતાને માન આપ, પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.”
૨૦
તે જુવાને તેમને કહ્યું કે, “એ બધી આજ્ઞાઓ તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું ખૂટે છે?”
૨૧
ઈસુએ તે જુવાનને કહ્યું કે, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.”
૨૨
પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
૨૩
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.
૨૪
વળી હું તમને ફરી કહું છું કે ‘ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.”
૨૫
ત્યારે તેમના શિષ્યોએ તે સાંભળીને ઘણાં અચરત થયા અને કહેવા લાગ્યા કે, “તો કોણ ઉદ્ધાર પામી શકે?”
૨૬
પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”
૨૭
ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, “અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?”
૨૮
ઈસુએ તેઓને કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.
૨૯
જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે પાછળ મૂકી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે.
૩૦
પણ ઘણાં જેઓ પ્રથમ તેઓ છેલ્લાં થશે; અને જેઓ છેલ્લાં તેઓ પ્રથમ થશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options